ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં JCB નીચે કચરા સાથે મહિલા કચડાઈ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં કચરો અને ભંગાર જેસીબી મશીનથી ઉચકીને દબાવતી વખતે ભંગાર વિણતી મહિલાને પણ જેસીબી ચાલકે કચરાની સાથે દબાવી દેતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે જેસીબી ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભટાર ખોડીયાર નગર ખાતે રહેતા જયમાલાબેન કમલેશભાઈ સંગાડા(35) પતિ સાથે ભંગાર વિણી 2 પુત્ર અને 2 પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે સવારે તેઓ પતિ સાથે ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં કચરો વિણતા હતા. દરમિયાન કચરાના ઢગલા પરથી નીચે ફેલાયેલો કચરો જેસીબી મશીનથી ઢગલા પર પર ભેગો કરી કચરૂ દબાવવાની કામગીરી કરતા જેસીબીના ડ્રાઈવર સુનીલે જેસીબીથી કચરો ભેગો કરીને દબાવતી વખતે કચરૂ વિણી રહેલા જયમાલાબેનને પણ કચરાની સાથે દબાવી દીધા હતા.
જયમાલાબેનની ચીસ સાંભળી તેમના પતિ અને અન્ય લોકો દોડી ગયા હતા. કચરા સાથે જેસીબીથી દબાઈ જતા જયમાલાબેન બન્ને પગ તેમજ કમરના ભાગે ગંભીર રીતે ઘવાયા હોવાથી લોહીલુહાણ હાલતમાં તેમને પતિ અને અન્ય લોકોએ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જયમાલાબેનના પતિ કમલેશભાઈએ ખટોદરા પોલીસ સમક્ષ જેસીબી ચાલક સુનિલ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
/