જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સંદર્ભે બારડોલી ખાતે કર્મચારીઓની અભૂતપૂર્વ રેલી યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જૂની પેન્શન યોજના પુનઃસ્થાપન કરવા રાજ્યભરમાં કર્મચારીઓ દ્વારા તાલુકા કક્ષાએથી લઈ ગાંધીનગર સુધીનાં આંદોલનો બાદ બીજા તબક્કાનાં આંદોલનનો શંખનાદ કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કર્મચારી મહામંડળ દ્વારા સંયુક્ત કર્મચારી મોરચાનાં નેજા હેઠળ બારડોલી ખાતે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાજી ચોકથી પ્રાંત કચેરી સુધી યોજાયેલ આ રેલીમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો સહિત વિવિધ કર્મચારી મંડળોએ શિસ્તબધ્ધ રીતે બેનરો અને પ્લે કાર્ડ સાથે જોડાઈને રેલીને મહારેલીનું સ્વરૂપ આપ્યું હતું. પ્રાંત કચેરીએ પહોંચી હોદ્દેદારો દ્વારા વિવિધ માંગણીઓ અંગેનું આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું.
આ અભૂતપૂર્વ રેલી બાદ પ્રાંત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે રેલીમાં જોડાયેલ તમામ કર્મચારી મંડળોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે સરદાર પટેલને યાદ કરી એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી વિવિધ વ્યાજબી માંગણીઓને સરકારશ્રી સત્વરે સંતોષે એવો સૌનો એકસૂર છે. અમારા હકની લડાઈ માટે રાજ્ય કક્ષાએ જાહેર થયેલ તબક્કાવાર કાર્યક્રમો સંદર્ભે અમો અડગ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઝારખંડ જેવાં રાજ્યોમાં હાલમાં જ જૂની પેન્શન યોજનાની જાહેરાત થઈ છે ત્યારે ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના મેળવવા માટેનું આંદોલન વેગવંતુ બન્યું છે. જેમાં પ્રત્યક્ષ પરોક્ષ સૌ કર્મચારીઓ જોડાઈ રહ્યાં છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.