જલ શક્તિ અભિયાન અંતર્ગત દિલ્હીની ટીમે તાપી જિલ્લાની મુલાકાત લીધી

Contact News Publisher

અમૃત સરોવર સહિત અંતરિયાળ વિસ્તારમાં સરકારની જલશક્તિ યોજનાઓ થકી સિંચાઈની સુવિધાઓ નિહાળી સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરીને સંતોષ વ્યક્ત કરાયો -નિયામક, કન્ઝયુમર અફેર્સ,ફુડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન દિલ્હી: આલોક કુમાર વર્મા
……………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨- ભારત સરકારના કન્ઝયુમર અફેર્સ,ફુડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન,દિલ્હી, નિયામકશ્રી આલોક કુમાર વર્મા તેમજ વૈજ્ઞાનિક રૂમી મુખરજીએ તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ સહિત નવીન અભિગમ સાથે અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કુલ-૭૫ અમૃત સરોવર સાકાર થઈ રહયા છે. આ પૈકી હાલમાં કુલ ૨૦ જેટલા અમૃત સરોવર તૈયાર થઈ ગયા છે. અને ખરેખર આઝાદી કા અમૃત મહોત્સવ અંતરિયાળ વિસ્તારના ગ્રામજનો માટે આશિર્વાદ સમાન બની રહેશે.
નિયામકશ્રી આલોક કુમાર વર્માએ તાપી જિલ્લામાં છેવાડાના ગામડાઓની મુલાકાત લઈ ભૌગોલિક પરિસ્થિતિ, સિંચાઈની સુવિધાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરીને અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો. ૨૯ ઓગષ્ટે વ્યારા ખાતે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સાથે વિચાર વિમર્શ કર્યો હતો. અને તાપી જિલ્લા વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ વ્યારા,ડોલવણ,સોનગઢ,ઉચ્છલ અને નિઝર તાલુકાના ગામોમાં અમૃત સરોવર અને સિંચાઈના કામો નિહાળ્યા હતા.
જ્યાં પાણીની સમસ્યા હતી એવા સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારમાં આ ટીમે ખાસ મુલાકાત લીધી હતી. નિયામક વર્માએ જણાવ્યું હતું કે અહીં સિંચાઈ વિભાગ દ્વારા ૧૫ જેટલા ગામોને આવરી લઈ નાના મોટા ૧૯ જેટલા તળાવો બનાવવામાં આવ્યા છે. અહીં પહેલા ખૂબ મુશ્કેલી પડતી હતી. ચેકડેમ/તળાવોના નિર્માણ ને કારણે અહીં સિંચાઈની સુવિધા પ્રાપ્ત થઈ છે. હવે અહીંના લોકો કામધંધા માટે મહારાષ્ટ્રના નંદુરબાર,નાસિક તેમજ સુરત જિલ્લામાં સ્થળાંતર કરતા હતા તે પ્રમાણ ઓછુ થયું છે. હવે લોકો સિંચાઈ આધારિત ખેતી અને પશુપાલન કરતા થયા છે. ગાય-ભેંસ પાળીને લોકોને દૂધની આવક મળી રહે છે.
સિંચાઈ વિભાગની સાથે ગ્રામજનોએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો છે. નકામા વહી જતા પાણીને રોકવા વેસ્ટ વિયર બનાવવા તેમજ બન્ડીંગ માટે લોકોએ ભેગા મળીને આ પ્રક્રિયામાં ભાગ લીધો છે. અહીંના લોકોની વારલી આર્ટ દ્વારા અમૃત સરોવરનું સુશોભન કરાયું અને નકામા ટાયરોમાં માટી ભરીને અમૃત સરોવરને આકર્ષક બનાવાયું હતું જે કાબીલેદાદ છે. ઘણાબધા ગ્રામજનો સાથે અમારી વાત થઈ છે. લોકો પ્રસન્ન છે.
ભૂજલ વૈજ્ઞાનિક રૂમી મુખરજીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ વોટર અને સરફેસ વોટર લીફ્ટ ઈરીગેશનથી શું ફાયદો છે? તેમજ લોકોમાં જાગૃતિ આવે અને પાણીના સંગ્રહ માટે નાના સ્ટ્રકચર ખૂબ જ ફાયદાકારક રહ્યા છે. જેનાથી ખર્ચ પણ ઓછો આવે અને પરિણામ પણ સારૂ મળે છે. ટીમ સ્પિરીટની ભાવનાથી થયેલ કામ જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરૂં છું.
કાર્યપાલક ઈજનેરશ્રી ડી.આર.પટેલે જણાવ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિ જોતા મોટી યોજનામાં ખર્ચ વધુ થાય જેથી અમે નાના નાના સ્ટ્રકચરો બનાવીને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે લાભ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

અમૃત સરોવરના નિર્માણથી 1007 હેકટરમાં પિયત ખેતી કરી શકાશે. અંદાજીત 13,09,553.80 ઘન મીટર જેટલું ખોદાણ કામ કરવાથી અંદાજીત 2300 ખેડૂતોને સીધો તેમજ 4500 જેટલા ખેડતોને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થશે.
૦૦૦૦૦૦૦

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other