વરાછાથી ગુમ ગોડાદરાના આધેડનો સિંગણપોર પાસે તાપીમાંથી મૃતદેહ મળ્યો

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત)  : વરાછાથી ગુમ થયેલા ગોડાદરાના આધેડનો સિંગણપોર કરાડા ગામ નજીક તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 2 દિવસ પહેલા આધેડ ગુમ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કારખાના પાસેથી મળી આવેલી બાઈકમાંથી પોલીસને ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે રક્ષાબંધનથી પિયર આવી ગયેલી પોતાની પુત્રીને ન્યાય અપાવવાની સમાજ સમક્ષ માંગણી કરી હતી.

ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટી ખાતે રહેતા અરજણભાઈ નાથાભાઈ બાંભણીયા(53) વરાછા લંબેહનુમાન રોડ ખાતે આવેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા. 6 મહિના પહેલા તેમની પુત્રીના લગ્ન થયા હતા અને રક્ષાબંધનથી તેમની પુત્રી પિયરમાં આવી ગઈ હતી. 2 દિવસ પહેલા તેઓ ઘરેથી કારખાને ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા. જેથી પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી વરાછા પોલીસ મથકમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે તપાસ હાથ ધરતા તેમની બાઈક કારખાના પાસેથી મળી આવી હતી. જેમાં અરજણભાઈએ લખેલી એક ચીઠ્ઠી મળી આવી હતી.

તેમણે ચીઠ્ઠીમાં આહીર સમાજને વિનંતી કરૂ છુ મારી દિકરીને ન્યાય અપાવજો. તેમજ તેમના જમાઈ અને તેમના ભાઈનુ નામ લખ્યું હતું. દરમિયાન રવિવારે સાંજે સિંગણપોર નજીક કરાડા ગામ પાસે તાપી નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી છે. તેમજ તેમના મોતનું કારણ જાણવા અને ચીઠ્ઠીમાં લખેલી પુત્રને ન્યાય આપવાની વાત અંગે તપાસ કરાશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other