તબેલાઓ દૂર કરાતાં માલધારી સમાજે કતારગામ ઝોન પર વિરોધ નોંધાવ્યો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-કોર્ટના આદેશ બાદ પાલિકાએ ગેરકાયદે તબેલાઓનું ડિમોલીશન, રખડતાં ઢોરોને કબ્જે લેવાની હાથ ધરેલી કાર્યવાહીને પગલે પશુપાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને કતારગામ ઝોનમાં મોટાપાયે કાર્યવાહીથી માલધારી સમાજના અગ્રણીઓ સાથે પશુપાલકો મોટી સંખ્યામાં કતારગામ ઝોન ખાતે પહોંચી જઈ રજૂઆતો કરી હતી, એટલું જ નહીં તંત્ર સામે સૂત્રોચ્ચારો કર્યા હતાં ટોળું ઝોન કચેરીમાં ધૂસવા પ્રયાસો કરતાં ગેટ બંધ કરાયો હતો તેમજ પોલીસ મોબાઇલ વાન બોલાવતાં મામલો શાંત પડ્યો હતો.
ગત ગુરુવારે કતારગામ ઝોને ડભોલી, લંકાવિજય હનુમાન, આંબાતલાવડી ખાતે ના ગેરકાયદે તબેલાઓ પોલીસ બંદોબસ્ત લઈ તોડી પાડ્યા હતાં અને 40 ઢોરો કબ્જે કર્યા હતાં. પાલિકાની કાર્યવાહીથી પ્રત્યાઘાતો માલધારી સમાજમાં પડતાં શુક્રવારે સમાજના આગેવાન બાબુ રાયકા, ભાવેશ રબારી સહિતના અગ્રણીઓ કતારગામ ઝોન ખાતે અધિકારીઓને મળી અને કબ્જે કરાયેલા પશુઓને પરત આપી દેવા રજૂઆતો કરાઈ હતી.કતારગામ ઝોને બીજા દિવસે કાર્યવાહી જારી રાખી છે. શુક્રવારે 3 તબેલા દૂર કરી 11 ઢોર કબ્જે કર્યા હતા. સીએમના બંદોબસ્તમાં પોલીસ ગઈ હોવાથી પાલિકાના માર્કેટ ખાતાએ નાના તબેલાઓ જ દૂર કર્યા હતાં. જેમાં, ડભોલી ચાર રસ્તા પાસેનો તબેલો, સિંગણપોર ટૂંકી રસ્તા પર શેડ બાંધી તબેલો ઉભો કરાયો હતો. તે દૂર કરી 9 ઢોર કબ્જે કર્યા હતાં. તો લાલ દરવાજા પટેલ વાડી માં પાલિકાની જગ્યા પર બે તબેલાઓ દૂર કરાયા છે.