નાગોરી વાડનો કારીગર સવા કરોડના દાગીના લઈને ફરાર
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : ઘોડદોડ રોડના જવેલર્સના માલિકે નવા દાગીના બનાવવા અને 16 ગ્રાહકોના દાગીના રિપેરીંગ કરવા માટે સૈયદપુરા નાગોરીવાડના અલ્પના જવેલરી વર્કશોપનો માલિક અભિજીત ચૈતાલી ઘોષ (બુબઈ)ને 1.13 કરોડના સોનાના દાગીના આપ્યા હતા.
એક મહિનો ઉપરનો સમય થવા આવ્યો છતાં કરોડોના દાગીના ન આપતા આખરે જવેલર્સના માલિકે સૈયદપુરામાં તેની દુકાને તપાસ કરતા બંધ હતી અને મોબાઇલ સ્વીચ ઓફ હતો. આથી જવેલર્સના માલિક નિશાંતભાઈ ટીંબરેવાલએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અલ્પના જવેલરી વર્કશોપના અભિજીત ચૈતાલી ઘોષ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. અભિજીત મૂળ વેસ્ટ બંગાળનો છે.
ઘોડદોડ રોડ પર સરેલા શોપિંગ સેન્ટરમાં જવેલર્સની દુકાનમાંથી 22મી જુલાઇએ આરોપી અભિજીત ઘોષ આવ્યો હતો. જવેલર્સના માલિકે નવા દાગીના બનાવવા માટે આરોપી અભિજીતને 7 સોનાના બિસ્કિટ 660ગ્રામ રૂ.34.40 લાખ, લૂઝ ડાયમંડ 25 લાખ, સોનાનો નેકલેસ સેટ 19 લાખ, સોનાની બંગડીઓ 11.50 લાખ અને 16 ગ્રાહકોના દાગીના રૂ 23.54 લાખ મળી 1.13 કરોડના દાગીના આપ્યા હતા.
જવેલર્સનો માલિક આરોપી અભિજીતને છેલ્લા 4 વર્ષથી ઓળખતો હતો. ગ્રાહકોએ રિપેરીંગ માટે આપેલા દાગીના લેવા દુકાને આવતા હતા. આથી જવેલર્સના માલિકે આરોપી અભિજીતને કોલ કરતા તે તબિયત સારી ન હોવાનું બહાનું કાઢી થોડા દિવસો પછી આપી જવાની વાત કરતો હતો.