ડભોલીમાં તબેલા હટાવવા ગયેલી ટીમના JCB સામે પશુપાલકોનો સૂઈ જઈ વિરોધ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; રખડતાં ઢોરોના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે હુકમ કરતાં જ પાલિકા હરકતમાં આવ્યું છે. અને કતારગામ પાલિકા ઝોને માર્કેટ વિભાગ, હેલ્થ વિભાગ, દબાણ ખાતું, એસઆરપી, પોલીસ મળી કુલ 125ની ટીમ સાથે ગેરકાયદે તબેલાઓ દૂર કરવા અને રખડતાં ઢોરોને કબજેે લેવા માટે ગુરુવારે સવારથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આંબાતલાવડી, લંકાવિજય હનુમાન પાસેની સરકારી અને પાલિકાની જગ્યા પર વર્ષો જૂના તબેલાઓને તોડી પડાયા છે, જ્યારે ડભોલીમાં ગેરકાયદે મસમોટા ઢોરવાડ દૂર કરવામાં પાલિકાએ એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું. પશુપાલકોના ભારે વિરોધ વચ્ચે ઢોરવાડ દૂર કરાવી સરકારી 5 હજાર ચોરસ ફૂટ જગ્યા નો કબ્જો મેળવવામાં સફળતા મેળવી છે.
વિરોધ નોંધાવનારા 15ને સિંગણપોર પોલીસે ડિટેઇન કર્યા હતાં. કતારગામ ઝોને ત્રણેય જગ્યાએ કરેલી કાર્યવાહીમાં કુલ 40 પશુને ઢોર ડબ્બે પુરી કબ્જે લીધા છે. કેટલાંક ઢોરો પશુપાલકો છોડાવી પણ ગયાં હતાં. આંબાતલાવડીમાં 3 તબેલા દૂર કરી 300 ચો.ફૂટ જગ્યા કબ્જે કરાઈ છે. લંકાવિજય હનુમાન પાળા પર 7 તબેલા દૂર કરી 20 પશુ કબજેે કરાયા હતાં.
ડભોલીમાં વર્ષોથી ઢોરવાડ ઉભો કરી પશુપાલકોનો ગેરકાયદે કબજો હતો ત્યાં કતારગામ ઝોને બપોરે 2.30 વાગ્યાથી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ પશુપાલકો રોડ પર ઉતરી આવ્યાં હતાં અને બોલાચાલી ધક્કામુક્કી કરી જેસીબી મશીન સામે સુઈ જતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી પરંતુ બંદોબસ્તમાં હાજર સિંગણપોર પોલીસે સમયસૂચકતા દાખવી વિરોધ નોંધાવનાર 13 પુરુષ અને બે મહિલા ને ડિટેઇન કર્યા હતાં.