કરંજવેલ ગામની સસ્તા અનાજની સરકારી દુકાનમાં ગુણવત્તા વગરની ચણાની દાળનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીતના ગામ કરંજવેલ ગામની સસ્તા અનાજની સરકારી દુકાનમાં આ મહિને ગુણવત્તા વગરની ચણાની દાળનું વિતરણ થતું હોઈ સેમ્પલ સ્વરૂપે 1 કિલો ચણાની દાળનું પેકેટ કલેક્ટરશ્રી, તાપીને બતાવી રેશનીંગની દુકાનોમાં ભેળસેળ વાળા અનાજના વિતરણ તેમજ ગેર વહીવટ બાબતે કલેક્ટરશ્રી, તાપીને રજૂઆત કરી. ભૂતકાળમાં વ્યારા પુરવઠા ગોડાઉનમાંથી અનાજના જથ્થાની ચોરી બાબતે પણ એફ. આઈ. આર. નોંધાયા પછી પણ કોઈ કાર્યવાહી ન થયા બાબતે પણ માજી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડૉ. તુષારભાઈ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરી. નિઝર ના ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામીતે કુકરમુન્ડા તાલુકાના બેજ, ચિખલપાડા, આમોદા ગામોમાં ત્રણ મહિનાથી રેશનીંગ અનાજ ન મળતું હોવાની ફરિયાદ બાબતે પણ કલેક્ટરશ્રી નું ધ્યાન દોર્યું હતું. આ રજૂઆત સમયે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીલાભાઈ ગામીત, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરી, તાપી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ યુસુભ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા.