તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ
“વ્યક્તિલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડવાની જવાબદારી આપણી સૌની છે”: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
…………………
“ખેતીવાડી, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી તૈયાર કરાયેલ ક્યુઆર સ્કેન કોડ દ્વારા ખેડૂત મિત્રો તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા”
…………………
તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
…………………
જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા વર્ગ-1, 2,3 અને 4 તમામ અધિકારી/કર્મચારીઓએ દ્વારા એક પરીવારની ભાવના સાથે સમુહ ભોજન લઇ આ પ્રસંગને યાદગાર બનાવ્યો
…………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.17: તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં રીનોવેટ કરેલ જિલ્લા પંચાયતના સભાખંડનું અધ્યક્ષશ્રીના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા વર્ગ-1, 2,3 અને 4 તમામ અધિકારી/કર્મચારીઓએ દ્વારા એક પરીવારની ભાવના સાથે સમુહ ભોજન લઇ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
બેઠકમાં વર્ષ 2021-22ના વર્ષનું વાર્ષિક હિસાબો મંજુર કરી, ૧૫માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાના 10 ટકાનું આયોજન મંજુર કરવા અંગે, રેતી-કંકર ગ્રાંટ વર્ષ -2021-22ના નવીન પંચાયતધરના કામોની વહીવટી મંજૂરી આપવા, જૂથ ગ્રામ પંચાયત ચીમકુવાનું વિભાજન ચાંપાવાડીને અલગ ગ્રામ પંચાયતની રચના કરવા બાબત તથા મુદત પુરી થતી સમિતિઓની પુન:રચના કરવા સહિત વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી પ્રમુખશ્રી સુરજ વસાવાએ જણાવ્યું હતું કે, વ્યક્તિલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડવાની જવાબદારી આપણી સૌની છે. સરકારી યોજનાઓ એક માધ્યમ બની ગ્રામજનોના વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતાનું માધ્યમ બને તેવું આયોજન આપણા જિલ્લામાં થયું છે.તેમણે સૌને તાપી જિલ્લો પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે સાથે મળી કામગીરીને આગળ ધપાવવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે રીનોવેટ કરેલ જિલ્લા પંચાયતના સભાખંડ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ખેતીવાડી, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી તૈયાર કરવામાં આવેલ ક્યુઆર સ્કેન કોડ દ્વારા જિલ્લાના ખેડૂત અને પશુપાલક મિત્રોને વિવિધ બાબતો વિશે ઓનલાઇન માહિતી મળી રહે તે માટે ઓનલાઇન ક્યુઆર કોડ મહનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ ક્યુઆર કોડ વિશે સૌને અવગત કરતા જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ દ્વારા ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ થકી ખેડૂત મિત્રોએ કોઇ પણ બાબતો માટે પેમ્પલેટ કે કાગળ ઉપર આધાર ન રાખતા મોબાઇલ દ્વારા આંગળીના ટેરવે વિવિધ ઉપયોગી માહિતી મેળવી શકશે. જિલ્લાની તમામ ગ્રામપંચાયતો ખાતે ક્યુઆર કોડના માધ્યમથી ડાંગરની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ, શેરડીની વૈજ્ઞાનિક ખેતી, તુવેર, નાગલી, મરચા, રીંગણ, સરગવા, વેલાવાળા શાકભાજી, મગની વૈજ્ઞાનિક ખેતી, ગાય આધારિત ખેતી, ચેપી ગર્ભપાત-પશુઓનો અજાતશત્રુ, પશુપોષણ અને પશુ પ્રજનન, પશુપાલન થકી આવક બમણી કરવા માટેના સોનેરી સુચનો, કૃષિક્ષેત્રે મહિલાઓનો શ્રમ ઘટે એવા ઓજારો જેવા અતિ ઉપયોગી વિષયો બાબતે માહિતી મેળવી શકાશે એમ ઉમેર્યું હતું.
આ સાથે ગત તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતાઓ જેમાં પ્રથમ ક્રમે આદર્શ પ્રાથમિક શાળા, ઉખલદા, સોનગઢના વિદ્યાર્થી નૈતિક નિતિનભાઇ ગામીતને રૂપિયા 5 હજાર, બીજા ક્રમે વ્યારા તાલુકાના ખુંટાડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જીયાકુમારી રવિન્દ્રભાઇ ગામીતને રૂપિયા 3 હજાર અને ત્રીજા ક્રમે નિઝર તાલુકા શાળાની વિદ્યાર્થિની નંદિની પ્રવિણભાઇ પાડવીને રૂપિયા 2 હજારનો ચેક તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ઉપપ્રમુખશ્રી અર્જુનભાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એચ.રાઠવા, કારોબારી અધ્યક્ષશ્રી મોહનભાઇ કોંકણી સહિત વિવિધ સમિતીના અધ્યક્ષ તથા સભ્યશ્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000000