તાપી જિલ્લામા “હર ઘર તિરંગા”ની અનોખી ઉજવણી : ઉચ્છલના સેલુડ ખાતે તિરંગા નૌકા યાત્રા અને નૌકા હરીફાઈ યોજાઈ
તાપી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ તિરંગા નૌકાયાત્રા અને નૌકા હરીફાઈના કાર્યક્રમને નાગરિકોએ ખુબ આવકાર્યો : સમગ્ર કાર્યક્રમ સાથે અહલાદક વાતાવરણ તિરંગામય બન્યું
………………………..
“આપણી આન-બાન-શાન સમા તિરંગાના ઉત્સવને માણવાનો અનેરો અવસર છે.”- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા
………………………..
“માછીમારી એટલે જળાશયમાં છુપાયેલું સોનુ”- સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
………………………..
“તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત નાગરિકો દ્વારા ભારે ઉત્સાહ સાથે તમામ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે”: – જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણિયા
………………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.13: સમગ્ર દેશમાં આજથી શરૂ થતા “હર ઘર તિરંગા” અભિયાનમાં તાપી જિલ્લામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુડ ખાતે જિલ્લાના બોટ મંડળીઓ દ્વારા નૌકા યાત્રા યોજી હતી. જેમાં માછીમારોએ બોટ ઉપર ધ્વજ લગાવી તિરંગાને સલામી આપી હતી. આ સાથે નૌકા ઉપર પોલીસ જવાનો પણ તૈનાત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સાથે અહલાદક વાતાવરણ તિરંગામય બન્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા એ જણાવ્યું હતું કે, આપણી આન-બાન-શાન સમા તિરંગાના ઉત્સવને માણવાનો આ અનેરો અવસર છે. તેમણે સૌ ગ્રામજનોને હર ઘર તિરંગા કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા અપીલ કરી હતી. તેમણે આઝાદીની લડતમાં આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ અમુલ્ય યોગદાનને ખાસ યાદ કરી સૌ આદિવાસી બાંધવોને આ માટે ગર્વ લેવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પ્રશાસન હંમેશા નવીન કામગીરી માટે પ્રખ્યાત છે. આખા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં આ પ્રકારની બોટ રેસનું આયોજન પ્રથમ વાર થયું છે. જેના માટે તેમણે કલેકટરશ્રી અને ડીડીઓશ્રીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉપસ્થિત સૌ “માછીમારી એટલે જળાશયમાં છુપાયેલું સોનુ” કહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત માછીમારીના વ્યવસાયને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. અંતે તેમણે જિલ્લા પ્રશાસન અને પદાધિકારીઓના સાથ સહકારથી સેલુડ ગામ ખાતેના વિવિધ ટાપુઓ અને ઉકાઈ જળાશયને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ તરીકે વિકસાવવા માટેના આયોજન અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયાએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ત્રિવેણી સંગમ સમાન છે. “હર ઘર તિરંગા” કાર્યક્રમ તાપી જિલ્લામાં ખૂબ સફળતા મેળવી રહ્યો છે. જેમાં નાગરિકો દ્વારા ભારે ઉત્સાહ સાથે તમામ કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. તિરંગા યાત્રા, તિરંગા પદયાત્રા, 15મી ઓગસ્ટની રિહર્સલ અને તિરંગા નૌકા યાત્રા આ ત્રણે કાર્યક્રમો ત્રિવેણી સંગમ સમાન છે.
તેમણે આ વર્ષને વાવેતરની દ્રષ્ટિએ “14 આનાથી 16 આનાનો વર્ષ” ગણાવી ઉમેર્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો થવાથી ઉકાઈ જળાશયમાં પર્યાપ્ત પાણી સંગ્રહ થયેલ છે. ખેડૂતો દ્વારા સારું વાવેતર થયેલ છે. ઉકાઈ જળાશયનું પાણી આખા વર્ષ માટે કામ લાગશે અને ખેતીમાં વૃદ્ધિ થશે.
વધુમાં તેમણે ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 69 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવાના આયોજન અંગે જણાવ્યું હતું. અંતે તેમણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે સૌને અવગત કરી તેનો લાભ લઈ મતાધિકારના હક દ્વારા લોકશાહીમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.
*અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આજે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી અવનવા કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં હમેશા નવિન કામગીરી માટે જાણીતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ મત્સ્યોધોગ નિયામક ઉકાઇ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિ.ઉકાઇ, ઉકાઇ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ તાપી દ્વારા “તિરંગા નૌકાયાત્રા” અને “નૌકા યાત્રા હરીફાઈ”નું આયોજન કરવામાં આવ્યું હતું.*
આ પ્રસંગે સેલુડના જળાશય ખાતે નૌકાઓની હરીફાઈમાં વિજેતા બનેલા ટીમોને મહાનુભાવના હસ્તે ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે દાનિયલભાઈ સેગાભાઈ ગામીત, બીજા ક્રમે દેવીદાસ જેવનભાઈ ગામીત અને ત્રીજા ક્રમે સુનિલ સુરતાજ ગામીતને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે દરેક સ્પર્ધકોને ટી-શર્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત તાપી જિલ્લાનું ગૌરવ સોનગઢ તાલુકાના ચીમકુવા ગામના શિક્ષક પ્રતિપભાઇ ચૌધરીને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો પૈકી એકનો એવોર્ડ મેળવવા બદલ ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ મહાનુભાવોએ મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપવા માટે મત્સ્ય બિયારણને જળાશયમાં પધરાવ્યા હતા. આ સાથે તેમણે જળાશયમાં બોટ યાત્રા દ્વારા અહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે વન સંરક્ષક અધિકારીશ્રી આનંદકુમાર, મત્સ્ય વિભાગના મદદનીશ નિયામકશ્રી અશોકભાઈ, કામધેનુ યુનિવર્સિટીના સ્મિત લીન ડે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડૉ. જયરામ ગામીત, ધારાસભ્યશ્રી સુનિલભાઈ ગામીત, ઉચ્છલ તાલુકા પ્રમુખ યાકુબ ગામીત, સેલુડ ગામના સરપંચ પ્રવીણભાઈ ગામીત, વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો તથા નાગરિકો ઉપસ્થિત રહી તિરંગા નૌકાયાત્રા અને નૌકા હરીફાઇને ભરપુર માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું. કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે મત્સ્ય વિભાગ અને કામધેનુ યુનિવર્સિટીના અધિકારી/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
00000000000