ડાંગ જિલ્લાનુ અનમોલ રતન : સફેદ મુસળી જેવા ઔષધિય પાક ઉત્પાદનમા સપરિવાર જોડાઈને અન્યોને પણ તેની ખેતી માટે પ્રોત્સાહિત કરતા ભવાડીના શ્રી જયેશભાઈ મોકાશી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):: તા: ૭: પ્રાકૃતિક ડાંગ જિલ્લામા શક્તિવર્ધક મુસળીનુ મબલખ ઉત્પાદન લેવા સાથે, ગુજરાતના અન્ય જિલ્લાઓના ખેડૂતોને પણ સફેદ મુસળીની ખેતી માટેની દશા અને દિશા દેખાડતા ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
ડાંગ જિલ્લામા ઔષધિય પાક ઉત્પાદન એવા સફેદ મુસળીના વાવેતરમા કાઠુ કાઢી અન્યોને પણ આ કિમતી વનૌષધિની ખેતી તરફ વાળી, પાસ સંરક્ષણ સાથે ખેડૂતોને એક છત નીચે લાવીને, સરકારશ્રીની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો લાભ પણ અપાઈ રહ્યો છે. ડાંગ જિલ્લાના આવા જ એક સફેદ મુસળીના અગ્રણી ખેડૂત શ્રી જયેશભાઈ મોકાશી સ્વયં સપરિવાર સફેદ મુસળીના વાવેતર સાથે બે પાંદડે થયા છે, તો ડાંગ ઉપરાંત આસપાસના જિલ્લાઓના ખેડૂતોને પણ આ પ્રોજેક્ટમા જોડી, પાક સંરક્ષણ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે.
પરંપરાગત ખેતીથી થોડી હટકે કહી શકાય એવી આ સફેદ મુસળીની ખેતીની વાત માંડતા શ્રી જયેશભાઈ મોકાશીએ કહ્યુ હતુ કે, જૂની રીતની ખેતીમા માત્ર જીવન નિર્વાહ જેટલુ જ ખેત ઉત્પાદન મળી રહેતુ હતુ. ત્યારે તેમને સફેદ મુસળીની સાહસિક ખેતી કરવાનો વિચાર આવ્યો, અને તેમણે એ ક્ષેત્રે ઝંપલાવ્યુ. શરૂઆતમા છુટા છવાયા ક્યારા પદ્ધતિથી મુસળીની ખેતી કરવાની શરૂઆત કરી. બાદમા રાજ્ય સરકારના ‘આત્મા’ પ્રોજેક્ટમા જોડાઈને પદ્ધતિસરની તાલીમ સહિત ખેડૂતોની વૈજ્ઞાનિક ગોષ્ઠીમાંથી વધુ સુક્ષ્મ જાણકારી પ્રાપ્ત કરી, અને ગાદી ક્યારા તૈયાર કરી સફેદ મુસળીના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનો ઉપયોગ કરી, ખેતીની શરૂઆત કરી.
ત્યારથી લઈને આજદિન સુધી આ સાહસિક ખેડૂતને પાછા વળીને જોવાની નોબત નથી આવી, તેમ જણાવતા તેઓ ગર્વભેર જણાવે છે કે, આ પદ્ધતિએ ખેતી કરતા તેમણે સારુ ઉત્પાદન મળતા મુસળી પાકનુ ગ્રેડિંગ કરી સુકવણી કરી તેનો પાવડર બનાવીને વેચાણ કરવાની શરૂઆત કરી, જેનાથી તેમને પહેલાની તુલનાએ સારી એવી આવક અને નફો મળવા લાગ્યો. તેમના આ પ્રયાસો બાદ સૌ પ્રથમ વખત સને ૨૦૧૭મા યોજાયેલા એક ખેડૂત સંમેલનમા તેમનુ શાલ ઓઢાડીને પ્રગતિશીલ ખેડૂત તરીકે તેમનુ સન્માન કરાયુ. તો આણંદ ખાતે યોજાયેલા ઔષધિય પાકના ખેડૂત સંમેલનમા પણ તેઓનુ અદકેરુ બહુમાન કરાયુ. તેમની આ સિદ્ધિની નોંધ લઈને સને ૨૦૧૬/૧૭મા રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ પણ તત્કાલીન કૃષિમંત્રીશ્રીના હસ્તે તેમને અપાયો.
ત્યારથી લઈને આજદિન સુધી પ્રતિવર્ષ સફેદ મુસળીની ખેતીમા કાઠુ કાઢતા શ્રી જયેશભાઈ મોકાશી છેલ્લા પાંચ વર્ષોથી ગુજરાત વન ઔષધિય બોર્ડ-ગાંધીનગર સાથે જોડાઈને ડાંગ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, તાપી, દાહોદ, ગાંધીનગર, ભાવનગર જેવા જિલ્લાઓના ખેડૂતોને પણ સફેદ મુસળીની ખેતીમા પ્રવૃત્ત કરાવ્યા છે. ચાલુ વર્ષે અંદાજે ૪૦ હેક્ટરથી વધુ વિસ્તારમા સફેદ મુસળીના વાવેતર સાથે ૧૫૦૦ થી વધુ ખેડૂતોને આ કિમતી વનૌષધિના વાવેતરમા જોતરનારા શ્રી જયેશભાઈ મોકાશીને જુદા જુદા દસેક જેટલા પારિતોષિકો અને અનેક ઇનામ અકરામ મળી ચુક્યા છે.
આમ, સફેદ મુસળી જેવા અતિ કિમતી વનૌષધિના જતન, સવર્ધન સાથે તેની ખેતી માટે અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરતા ડાંગ જિલ્લાના ભવાડી ગામના ખેડૂત શ્રી જયેશભાઈ મોકાશી, ડાંગનુ અનમોલ રતન બની રહ્યા છે. હાલમા શ્રી મોકાશી સફેદ મુસળીના વાવેતર માટે ફેસીલીટેટર તરીકે સેવા આપી રહ્યા છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત વઘઈ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ તજજ્ઞશ્રી ડો.હર્ષદ પ્રજાપતિએ સફેદ મુસળીની ખેત પદ્ધતિ અંગે જણાવતા કહ્યુ હતુ કે, સફેદ મૂસળી એ શકિતવર્ધક તરીકે મહત્વનુ ઔષધીય મૂલ્ય ધરાવતી કિંમતી વનસ્પતિ છે. ઔષધિ તરીકે તેના મૂળ વપરાય છે, જે મૂસળી તરીકે ઓળખાય છે. ગુજરાતમા મૂસળીના બે પ્રકાર જોવા મળે છે. પ્રથમ પ્રકારની મૂસળી થડની નીચે જમીનમા એક જગ્યાએ ઝૂમખામા બેઠેલી હોય છે, જે સાચી મૂસળી છે. તેનુ વૈજ્ઞાનિક નામ કલોરોફાયટમ બોરીવીલીયેનમ છે. આ મૂસળીનુ ઔષધીય મૂલ્ય વધુ હોઈ તે કિંમતી છે. હવે જંગલોમા તેનુ પ્રમાણ હવે નહિવત્ રહયુ છે.
બીજા પ્રકારની મૂસળી થડની નીચે જમીનમા, મગફળીની જેમ તંતુની નીચે બેઠેલી હોય છે, જે ખોટી મૂસળી તરીકે જાણીતી છે. આ પ્રકારની મૂસળીનુ વૈજ્ઞાનિક નામ કલોરોફાયટમ ટયુબરોસમ છે.
સફેદ મૂસળી ગુજરાત ઉપરાંત રાજસ્થાન તથા મધ્યપ્રદેશના જંગલોમા પણ જોવા મળે છે. તે ગુજરાતમા બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમા ડુંગરોના ઢોળાવો પર થાય છે. સાચી મૂસળીના દરેક છોડમા મૂસળીની સંખ્યા ૧ થી ૧૦ કે તેથી પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. તેની લંબાઈ ૩ થી ૧૦ સે.મી. હોય છે. તેના પોષક દ્રવ્યોમા મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ ૪૨ %, પ્રોટીન ૮ થી ૯ %, રેસા ૩ થી ૪ % તથા સેપોનીન ૪ % જેટલુ હોય છે.
મુસળીની ખેતી પધ્ધતિ :
*જમીન અને આબોહવા* સફેદ મૂસળીને સારા નિતારવાળી વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી રેતાળ, ગોરાડુ કે મધ્યમ કાળી જમીન તથા ગરમ, અને ભેજવાળુ વાતાવરણ માફક આવે છે. ઉપરાંત વૃધ્ધિ દરમ્યાન છોડ તથા મૂસળીના વિકાસ માટે જમીનમા પૂરતો ભેજ હોવો જરૂરી છે.
*જમીનની તૈયારી* ઉનાળામા જમીન ફાજલ રાખી તપાવી મે-જૂન માસમા હેકટર દીઠ ૨૦ થી ૨૫ ટન છાણીયુ ખાતર કે સેન્દ્રિય ખાતર આપી, આડી તથા ઉભી ખેડ કરવી. ચોમાસુ શરૂ થાય એ પહેલા 30 સે.મી.ના અંતરે છીછરા ચાસ કાઢવા તથા જરૂરી લંબાઈના કયારા તેમજ ઢાળીયા બનાવી તૈયાર રાખવા. જરૂર જણાય તો નિતાર નીક બનાવવી.
*વાવણી પૂર્વેની તૈયારી* સફેદ મૂસળીનુ સંવર્ધન બીજ તથા મૂળથી થાય છે. છોડમા ફળ એક સાથે પરિપકવ થતા નથી, તથા પરિપકવ ફળ તરત જ ફાટી જઈ બીજ ખરી જાય છે, જે ભેગા કરવા મુશ્કેલ છે. બીજનો ઉગાવો પણ ઘણો ઓછો (આશરે ૫ %) હોવાથી તેમજ બીજથી વિકસતા છોડ ઘણા નાનાં રહેતા હોવાથી વાવણી માટે મૂસળી-મૂળનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
એક હેકટરની વાવણી માટે આશરે ૧૦૦૦ કિ.ગ્રા. મૂસળીની જરૂરિયાત રહે છે. મે-જૂન માસમા વરસાદ પડે તે અગાઉ હવામા ભેજ વધતા મોટા ભાગની ઝૂમખામા રહેલી મૂસળીમા સ્ફુરણ શરૂ થાય છે.
દરેક ઝૂમખામા એક કે તેથી વધુ સ્ફુરણ જોવા મળે છે. મોટા ઝૂમખામાંથી સ્ફુરણવાળી વધુ મૂસળી મળે તે માટે દરેક ધારવાળા પાતળા ચપ્પા કે બ્લેડ વડે એવી રીતે છૂટી પાડવી કે મૂસળીના મથાળે પ્રકાંડનો થોડો ભાગ રહે. લગભગ ૨ થી ૩ મૂસળી સાથે રહે તે રીતે અલગ કરવી. ૮ થી ૧૦ મૂસળી ધરાવતા મોટા ઝૂમખામાંથી દરેક મૂસળી એક એક કરી છૂટી પાડતા દરેકના માથે આંખ ન આવવાથી બધી મૂસળીમા સ્ફુરણ થતુ નથી, જેથી બે કે ત્રણના સમૂહમા છૂટી પાડવી.
(ડાંગના પ્રગતિશીલ ખેડૂત શ્રી જયેશભાઈ મોકાશીનો સંપર્ક નંબર ; ૯૪૨૬૭ ૪૦૧૫૬ છે)
–