તાપી જિલ્લામાં તિરંગાના વેચાણમાં જોતરાઇ સખી મંડળની બહેનો
”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
……………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી.તા.૦6: સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ-2022 સુધી ’હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે માઇક્રોપ્લાનિંગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ વિભાગો એકજુથ થઇ સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. જેમાં જિલ્લામાં હાલ અંદાજિત 50 જેટલા સ્વસહાય જુથો સાથે સંકળાયેલ બહેનો દ્વારા ગ્રામ્યસ્તરે તિરંગાનું વેચાણ કરવાનું નક્કિ કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં નિઝર તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા 4 હજાર જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી “હર ઘર તિરંગા” અભિયાનને સાકાર કરી રહ્યા છે.
વ્યારાના સખી રાખી મેળામાં તિરંગાના વેચાણ માટે મુકવામાં આવેલ સ્ટોલ ખુશી સખી મંડળના સભ્ય લતા ગામીત જણાવે છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ શાખા દ્વારા સખી મંડળની બહેનોને ખુબ સાથ સહકાર મળી રહ્યો છે. રાખી મેળા સાથે તિરંગા વેચાણ માટે અમને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. એથી અમે તિરંગા અને રાખડીના વેચાણ દ્વારા રોજગારી ઉભી કરી શકીશું. જે બદલ અમે જિલ્લા વહિવટી તંત્રના આભારી છીએ.
જિલ્લામાં સખી મંડળના બહેનોના અભિપ્રાય મુજબ ગ્રામ્યકક્ષાએ નાગરિકો દ્વારા આ કાર્યક્રમને ખુબ સારૂ પ્રોત્સાહન મળી રહ્યું છે. ”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે. ત્યારે આ અભિયાનમાં સખી મંળની બહેનો તિરંગાનું વેચાણ કરી આજીવીકા મેળવવાની સાથે સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના સમાન તિરંગાને લોકો સુધી પહોચાડવાના કામમાં જોતરાઇ ગયા છે.
0000000