તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના સપ્તાહનો શુભારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વસ્થ ભારત નિર્માણની દિશામાં આગળ વધી રહેલા દેશમાં દરેક સગર્ભા, અને ધાત્રી માતાઓની સારસંભાળ ખૂબ જ જરૂરી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ આવી મહિલા લાભાર્થીઓ પ્રશાસનની નજરથી દૂર ન રહી જાય તેની કાળજી લેવા, જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંધે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું છે.
વ્યારા ખાતે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત આયોજિત માતૃવંદના સપ્તાહનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા જિલ્લા વિકાસ અધિકારીએ, સપ્તાહ દરમિયાન ડે ટુ ડે ના કાર્યક્રમો ખૂબ જ ચોકસાઈ સાથે હાથ ધરી, કોઈ પણ લાભાર્થી આ યોજનાના લાભોથી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવા પણ અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં સગર્ભા અને ધાત્રી માતાઓ, તથા નવજાત બાળકોની તંદુરસ્તી માટે વિશેષ કાળજી લેવાની પણ તેમને આ વેળા અપિલ કરી હતી.
દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.વહોનીયાએ અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓને, સપ્તાહ ઉજવણી દરમિયાન, સરકાર અને પ્રશાસનની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરી, જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ સુપેરે પહોંચે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.
આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરે યોજના, તથા સપ્તાહ ઉજવણી અંગેની સુક્ષ્મ વિગતો રજૂ કરી, સૌને પરસ્પર સંકલન તથા સહયોગ સાથે, સેવાની મળેલી તકને ઝડપી લેવાનો અનુરોધ કર્યો હતો.
માતૃવંદના સપ્તાહ દરમિયાન પ્રથમ દિવસે એટલે કે, તા.૨જી ડિસેમ્બરના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ, તા.૩જી એ જાગૃતિ દિવસની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તા.૪થી એ નોંધણી દિવસ, ૫મી એ સમસ્યા નિવારણ દિવસ, ૬ ડિસેમ્બરે બેકલોગ ક્લિયરન્સ, ૭મી એ આરોગ્ય-પોષણ અને સ્વચ્છતા દિવસ, તથા સપ્તાહના અંતિમ દિને, એટલે કે તા.૮મી ડિસેમ્બરે સન્માન દિવસની ઉજવણી કરાશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત તાપી જિલ્લામાં તા.૧/૧/૨૦૧૭થી આજદિન સુધીમાં કુલ ૭૧૭૨ લાભાર્થીઓ નોંધાયા છે. જેમને આ યોજના હેઠળ કુલ ₹ ૨,૯૬,૬૬,૦૦૦/-નું ચુકવણું કરી દેવાયુ છે. ચાલુ વર્ષ ૨૦૧૯/૨૦ દરમિયાન પણ ₹ ૧,૧૭,૭૦,૦૦૦/- નું ચુકવણું કરવામાં આવ્યું છે.
ગત ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી દેશની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે અમલી આ યોજના અંતર્ગત લાભાર્થીને પ્રથમ જીવિત બાળજન્મ માટે ₹ ૫૦૦૦/- ની સહાય મળવાપાત્ર થાય છે. જેનો હેતુ સગર્ભાવસ્થા અને બાળજન્મ સમયે લાભાર્થી મહિલાઓ પ્રસુતિ પૂર્વે, અને પ્રસુતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ લઈ તેમના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે છે. સાથે આ દિવસો દરમિયાન તેમની રોજગારીને થતા નુક્શાનનું અંશતઃ વળતર પણ તેમને મળી રહે, તેવો શુભ આશય પણ આ યોજનામાં રહેલો છે.