સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં એકમ કસોટી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી હવે સેન્ટ્રલાઈઝનાં બદલે શાળા કક્ષાએ લેવામાં આવશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી લેવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ સેન્ટ્રલાઈઝ એકમ કસોટીને લઇ કેટલીક સમસ્યાઓ ઊભી થતાં હવે શાળાઓ પોતાની રીતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશે. જે અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં આજરોજ શિક્ષણ વિભાગની મુજબ મૂલ્યાંકન કસોટી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.
તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર સેન્ટ્રલાઈઝ પદ્ધતિમાં રાજ્યની દરેક શાળાઓમાં એકસરખા પ્રશ્નપત્ર આપવામાં આવતા હતાં જેનાં બદલે હવે જે તે ધોરણનાં લર્નિંગ આઉટકમનું મૂલ્યાંકન કરવા માટે એક કરતાં વધુ પ્રશ્નો ધરાવતી પ્રશ્નબેંક તૈયાર કરીને શાળાઓને આપવામાં આવશે.