તાપી જિલ્લામાં પેન્શન સપ્તાહનો શુભારંભ
તા.૩૦ નવેમ્બર થી ૬ ડિસેમ્બર દરમિયાન યોજાનાર સપ્તાહ દરમિયાન વધુમાં વધુ લાભાર્થીઓને યોજનામાં જોડાશે
ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા તથા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ ઉપસ્થિત રહી આપ્યું માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લઈને, પોતાના પરિવારને આર્થિક સલામતી પુરી પાડવા માટે લાભાર્થીઓને આગળ આવવાનો અનુરોધ કરતા, વાલોડના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાએ પેન્શન સપ્તાહના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને આ યોજનાનો સંદેશ ઘરે ઘર સુધી પહોંચાડવા માટે વાહકની ભૂમિકા અદા કરવાનું આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત યોજાયેલા પેન્શન સપ્તાહ શુભારંભ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા શ્રી મોહનભાઇ ઢોડિયાએ યોજનાના લાભાલાભ વર્ણવી, પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અપીલ કરી હતી.
તા.૩૦/૧૧/૨૦૧૯ થી તા.૬/૧૩/૨૦૧૯ દરમિયાન યોજાનારા પેન્શન સપ્તાહના શુભારંભ કાર્યક્રમ વેળા મહાનુભાવોના હસ્તે કેટલાક લાભાર્થીઓને યોજનાના રિપોર્ટ કાર્ડનું પણ વિતરણ કરાયું હતું.
વ્યારાના ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે યોજાયેલા પેન્શન સપ્તાહ શુભારંભ કાર્યક્રમ દરમિયાન વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેરનોશ જોખી, સીએસસી ના ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી તુષારભાઈ ગામીત સહિતના મહાનુભાવો એ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરી, કાર્યક્રમની સૂક્ષ્મ વિગતો રજૂ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ દીપ પ્રાગટય સમારંભમાં ઉપસ્થિત રહીને, કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના શ્રમયોગીઓ, કે જેમની માસિક આવક ₹ ૧૫૦૦૦/- કે તેથી ઓછી હોય, તેવા શ્રમયોગીઓ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં લાભાર્થીઓએ તેમની ઉંમરના હિસાબે માસિક ફાળો આપવાનો રહે છે. તેની સામે ભારત સરકાર દ્વારા પણ તેટલો જ ફાળો લાભાર્થીના ખાતામાં જમા કરશે. ત્યાર બાદ લાભાર્થીની ઉંમર ૬૦ વર્ષ પૂર્ણ થયે, પ્રતિમાસ ₹ ૩૦૦૦/- પેન્શન આજીવન મળવાપાત્ર થશે.
લાભાર્થી શ્રમયોગીના મૃત્યુ બાદ તેના પત્ની/પતિને ૫૦ ટકા પેન્શન મળવાપાત્ર થશે.
આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ કોમન સર્વિસ સેન્ટર ખાતે, (૧) આધાર કાર્ડ, (૨) બેન્ક પાસબુક, (૩) મોબાઈલ સાથે લઈ જઈ નોંધણી કરાવી પડશે.
આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ, એ.પી.એમ.સી. માર્કેટના શ્રમયોગીઓ, ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો, ડેઇલી વેજર, ફેરીયાઓ, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન યોજનાના વર્કર, મનરેગાના શ્રમયોગીઓ, ઘરેલુ કામદારો, ખેત શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, શાક માર્કેટના શ્રમયોગીઓ, હાથલારીના ચાલકો, સહિત અન્ય અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ સાથે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી પેન્શન યોજના પણ અમલી બનાવવામાં આવી છે. જેમાં છૂટક વેપારીઓ, દુકાનદારો, સ્વ રોજગારમાં રોકાયેલા લઘુ વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૮ થી ૪૦ વર્ષના લઘુ વેપારીઓ, કે જેમનું વાર્ષિક ટર્ન ઓવર ₹ ૧.૫૦ કરોડ કે તેથી ઓછું હોય તેવા લાભાર્થીઓ જોડાઇ શકે છે.
વ્યારાના કાર્યક્રમમાં વ્યારા તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરો, શ્રમ વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. ઉચ્છલના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ગામીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.