આગામી ૨૪મી જુને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તાપી જિલ્લામાં

Contact News Publisher

નિઝરના રૂમકીતલાવ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં બાળકોના નામાંકનના મુખ્ય કાર્યક્રમ બાદ વ્યારાના કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિરીક્ષણ માટે પધારશે 
………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧: સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તા.૨૩,૨૪,૨૫ જુન દરમિયાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આગામી તા.૨૪/૦૬/૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં તથા વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિરીક્ષણ કાર્યક્રમમાં પઘારનાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા ર૦૦૩થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. આના પરિણામે રાજ્યમાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે. આ શાળા પ્રવેશોત્સવમાં રાજય કક્ષાથી પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીને સ્થળોની મુલાકાત લેવા તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. તેઓ પ્રત્યેક દિવસે તે જ તાલુકાની કોઇ એક કલસ્ટરની ૩ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સહિત કરશે અને ત્રીજી શાળામાં તે કલસ્ટરની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએથી શાળાઓની ફાળવણી કરવામાં આવશે. જેમાં ગુણવત્તાયુક્ત સમિક્ષા થઇ શકે તે હેતુથી વધુ વિધાર્થીઓની સંખ્યાવાળી શાળામાં ફાળવવામાં આવેલ છે.
કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી:
શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી દ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી જેવી બાબતો દ્વારા દરેક ક્લસ્ટર અને તાલુકાની સમીક્ષા કરવામાં આવશે.
દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી.(સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી દ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓને પણ જોડવામાં આવશે.
છેલ્લા ત્રણ વર્ષથી કોવિડ પરિસ્થિતિને કારણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન શક્ય બન્યું નહોતું. ત્યારે આ વર્ષે ૨૩ જૂન થી ૨૫ જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં થવાનું છે. જેના અનુસંધાને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તા.૨૪-૦૬-૨૦૨૨ના રોજ તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકીતળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તા.ર૩ જૂન ગુરૂવારે કરાવશે. તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે ઉપસ્થિત રહેશે.
આ અભિયાનમાં રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ સહિત તાપી જિલ્લાના વહીવતી તંત્ર જોડાઇ ગયુ છે. જેમા તાપી જિલ્લાના ગામે-ગામની શાળાઓમાં ઉત્સવમય વાતાવરણની અનુભુતી થઇ રહી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other