તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે “નિરામય ગુજરાત કાર્યક્રમ” પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે શુભારંભ
નિરામય ગુજરાત :
…………………….
“વર્તમાન સરકાર પ્રજાના મંત્રી તરીકે નહી પ્રજાના સેવક તરીકે કામ કરી રહી છે” -કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
……………………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૨: તાપી જિલ્લાના ઉચ્છલ સ્થિત બી.આર.સી.ભવન ખાતે આજરોજ “નિરામય ગુજરાત’ કાર્યક્રમનો પ્રારંભ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી તથા તાપી જિલ્લા પ્રભારીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી લઇ સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધરાયું છે.
આ કાર્યક્રમમાં વિડિયોના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સૌને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, આપણે રોગ થાય જ નહી તેવું જીવન બનાવવાનું છે. આજના આધુનિક યુગમાં આપણી જીવનચર્યા બદલાઇ છે. જેથી રોગો વધ્યા છે. મહામારીથી વધુ મૃત્યુ બીનચેપી રોગોથી થાય છે. આપણો ખોરાક બદલાવાથી ધારા-ધોરણો બદલાયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેક્શિનના મહાઅભિયાનમાં પ્રજાનો ખુબ સાથ સહકાર મળ્યો છે. તેમણે ગુજરાત સરકાર દરેક ક્ષેત્રે ખુબ સારૂ કામ કરી રહી છે એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નિરામય ગુજરાતમાં આઠ પ્રકારની ગંભીર બીમારીમાં પોતાના રૂપિયા ખર્ચવા ન પડે તે માટે છેવાડાના માનવીઓ સુધી આ કાર્યક્રમ થકી આરોગ્યલક્ષી સેવાઓ પહોચાડવામાં આવી રહી છે. જેનો સૌ કોઇને લાભ લેવા મંત્રીશ્રી પટેલે અનુરોધ કર્યો હતો. વધુમાં ડિજિટલ કાર્ડ થકી તમામ માહિતી ઉપલબ્ધ થાય છે તેમ કહી મા કાર્ડની વેલેડિટી વધારી ત્રણ વર્ષે રીન્યું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તાપી જિલ્લામાં ૧.૯૦ લાખ કાર્ડ વિતરણ થયા છે તેના માટે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સુમુલ ડેરી અને સુરત ડિ.કો.ઓ.બેંક દ્વારા રૂપિયા ૨૧ લાખ કોરોના મહામારી દરમિયાન તાપી જિલ્લાને અર્પણ કરવામાં આવ્યા હતા એ વાત યાદ કરતા નાની-મોટી તમામ સંસ્થાઓ દ્વારા લોકોને કરવામાં આવેલી મદદની સરાહના કરી હતી. અંતે આરોગ્ય કર્મીઓને તેઓની ફરજનિષ્ઠા અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રસંશા કરી હતી. વર્તમાન સરકાર પ્રજાના મંત્રી તરીકે નહી પ્રજાના સેવક તરીકે કામ કરી રહી છે એમ ઉમેર્યું હતું.
તાપી જિલ્લા ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ નિરામય ગુજરાત હેલ્થ કાર્ડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્ડ આપણને અન્ય શહેરમાં પણ ઉપયોગી છે. તાપી જિલ્લાના દરેક સબ સેન્ટર ઉપરથી મા કાર્ડ આપવામાં આવશે તથા ગામના કોઇ પણ વ્યક્તિ બાકી ના રહી જાય તેની તકેદારી રાખવા આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓઓને સુચન કર્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, PMJAY કાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીએ છેવાડાના લોકોની ચિંતા કરી છે. આ યોજના હેઠળ ગંભીર પ્રકારની બીમારી સામે સારવાર લઇ શકાય છે એમ કહી આરોગ્ય વિભાગ હેઠળ વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલે સૌને આવકારતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં જાન્યુઆરીથી આજદિન સુધી મેલેરીયાના ફક્ત ૧૭ કેસો જ નોંધાયા છે. વહેલું નિદાન અને સમયસર સારવાર કરાવવી ખુબ જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવી પહેલ અંગે જાણકારી આપતા ઉમેર્યું કે, દર શુક્રવારે એક-એક એવા ૪૦ આરોગ્ય કેમ્પો વિવિધ સ્થળે કરવામાં આવશે. જેમાં આરોગ્યલક્ષી નિ:શુલ્ક સેવાઓ પ્રાપ્ત થશે એમ કહી તમામને આ કેમ્પોમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્ર્મમાં ઉપસ્થિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ભાઇ-બહેનોને આયુષ્માન ભારત –મુખ્યમંત્રી મા અમૃતમ –માં યોજનાના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, નિરામય ગુજરાત કાર્યક્રમ થકી તમામ લોકોના આરોગ્યની તપાસ સર્જરી વિભાગ, ચામડી વિભાગ, મેડીસીન વિભાગ સ્ત્રી રોગ વિભાગ, નાક,કાન,ગળાના વિભાગ અને દાંતના રોગોના વિભાગ તથા બીનચેપી રોગની તપાસણી વિભાગના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરી લેબોરટરી નિદાન અને સારવારની સેવા વિના મુલ્યે આપવામાં આવશે.
તાપી જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પમાં સેવા આપનાર હોસ્પિટલોમાં સનરાઇઝ ગ્લોબલ હોસ્પિટલ, સુરત દ્વારા-કેન્સર, હદયરોગ અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ, કિરણ હોસ્પિટલ,સુરત-ચેતાત&ત્રનારોગો, કિડની અને જોઇન્ટ રીપલેસમેન્ટ, ભરત કેન્સર હોસ્પિટલ સુરત-કેન્સર, બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ, સુરત-હદયરોગ, મોદી ચીલ્ડ્રન હોસ્પિટલ,વ્યારા-બાળરોગ,જનક સ્મારક હોસ્પિટલ જનરલ સર્જરી, વિમ્સ હોસ્પિટલ,વ્યારા-ફિઝીશયન, અને જનરલ હોસ્પિટલ, વ્યારા દ્વારા માનસિક રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, દાંત રોગ નિષ્ણાંત, નાક-કાન ગળાના સર્જન અને ચામડી રોગના નિદાન માટે નિષ્ણાંત દ્વારા સેવા આપવામાં આવશે.
આ પ્રસંગે નિઝર પ્રાંત મેહુલ દેસાઇ સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરી,સંયુક્ત નિયામક ડૉ.એસ.ડી.પટેલ, ઉચ્છલ મામલતદાર ગુલાબસિંહ વસાવા, ટીડીઓશ્રી ગાવીત, ડૉ.કે.ટી.ચૌધરી, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, સુરત ડિ.કો.ઓ ચેરમેન નરેશ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સોનલ પાડવી, સામાજીક ન્યાય અધિકારીતાના મસુદાબેન નાયક, તાલુકા પ્રમુખ યાકુબ ગામીત સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન ડૉ.પોલ વસાવાએ કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦