તાપી જિલ્લામાંથી ખનીજ ચોરી કરતા તત્વો સામે કલેક્ટરની લાલ આંખ :
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિવિધ ખનીજ પેદાશોની ચોરી કરતા તત્વો સામે, કલેકટર શ્રી આર.જે.હાલાણીએ લાલ આંખ કરતા આવા તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લામાંથી વિવિધ ખનીજ પેદાશોનો ગેરકાયદેસર વહન અને વેપલો કરવાની બાબત કલેકટરશ્રીના ધ્યાને આવી હતી. જેને પગલે શ્રી હાલાણીએ તાત્કાલિક તેમના ચુનંદા અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી રાત્રી ચેકીંગ સહિતના સખત પગલા લેવાનું શરૂ કર્યું છે.
જે મુજબ ગત તા.૨૦મી નવેમ્બરના રોજ જિલ્લામાં સોનગઢ તાલુકાના જુનવાણ વિસ્તારમાં રાત્રી ચેકીંગ હાથ ધરાતા તાપી જિલ્લાની અમૂલ્ય ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર રીતે વહન તથા વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે ખનીજ પેદાશોની ચોરી કરી તેના ખરીદ વેચાણ કરતા તત્વો સામે સખ્ત કાર્યવાહીના સંકેત કલેકટરેટ દ્વારા મળ્યા છે.