તાપી જિલ્લામાં યુવાનોને રમત-ગમતની પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરવા ‘નવરાત્રી’ ચિત્ર સ્પર્ધાનુ આયોજન
જિલ્લાકક્ષાની સ્પર્ધા તા.૨૭ સપ્ટેમ્બર થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ અને રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨ ડિસેમ્બર ૨૦૨૧ એ યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૪: રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના શુભ આશયથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવેલ છે. કોરોના મહામારીના સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડિયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત-ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ વર્તમાન સમયની જ તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે આ વર્ષ દરમિયાન ઉપરોક્ત અભિયાન અંતર્ગત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંગે ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો/વીડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમત-ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ અંગે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા સંયુક્ત રીતે ‘નવરાત્રી’ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૧ને ગણવાની રહેશે) સ્પર્ધકે A-4 સાઈઝના ડ્રોઇંગ પેપર પર ‘નવરાત્રી’ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીને બ્લોક નં.-૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારાને મોકલવા અંગે અખબારી યાદીમાં જણાવાયુ છે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમને રૂ.૨૫૦૦૦/-, દ્વિતિયને રૂ.૧૫૦૦૦/- અને તૃતિય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- આશ્વાસન ઇનામો આપવામાં આવશે.