કૃષિ રસાયણોના આડેધડ ઉપયોગમાં નિયંત્રણ જરૂરી : ડૉ. સી.કે. ટીંબડીયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૨ અઠવાડીયા (અઠવાડિયામાં એક દિવસ) નો “સર્ટીફીકેટ કોર્ષ ફોર ઇનસેક્ટીસાઇડ ડીલર્સ/ ડીસ્ટ્રીબ્યુટર્સ” નો તાલીમ વર્ગ ચાલુ કરવામાં આવ્યો છે. જેમા તાપી જિલ્લાના કુલ ૩૫ ઇનપુટસ ડીલર્સ/ ડીસ્ટ્રીબ્યુટર્સએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના માન.વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.સી.કે.ટીંબડીયાએ ઇનસેક્ટીસાઇડ ડીલર્સને સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિશે સમજાવતા ખેતી પાકો પર થતા અત્યંત ઝેરી કૃષિ રસાયણોનો આડેધડ ઉપયોગ અટકાવવા અંગે ભાર પુર્વક જણાવ્યુ હતું. તેમજ વધુ પડતા કૃષિ રસાયણોના ખેતીમાં ઉપયોગને કારણે આવતી પેઢીને ભોગવવા પડતાં આર્થિક અને શારીરિક નુકશાન અંગે જાગૃત કર્યા હતા. ઉપરોક્ત કાર્યને ડીલર્સ માટે સમાજ સેવાની ખુબજ મોટી તક ગણાવી હતી. તેઓએ કેવિકે, વ્યારાની કામગીરી બિરદાવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડયાએ બધાને આવકારી તાલીમનો મુખ્ય હેતુ સમજાવ્યો હતો. કેવિકેના વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.ચાવડાએ આ તાલીમ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલ વિવિધ વિષયોની સમજ આપી હતી. આ તાલીમ કાર્યક્રમ હેઠળ જંતુનાશક દવાઓનો કઇ રીતે કાળજી પુર્વક વપરાશ તેમજ વપરાશ કર્યા બાદ જંતુનાશક દવાઓના કન્ટેઇનરો નો નિકાલ કરી શકાય એ અંગે ઉંડાણપુર્વક સમજ આપી.
કાર્યક્રમના અંતે પ્રથમ બેચમાં ઉત્તિર્ણ થયેલ તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનશ્રીના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યુ હતું. અને ભૂતપુર્વ તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રો.કે.એન.રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ કર્યુ હતું જ્યારે આભારવિધિ ડૉ. એસ.કે.ચાવડા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) એ કરી હતી.