કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ખેડૂત શિબિર યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે પાક વિમા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને ડાંગરમાં કૃષિ યાંત્રિકરણ અંતર્ગત તા. ૦૭/૦૭/૨૦૨૧ ના રોજ ખેડૂત શિબિર યોજાઇ. સદર કાર્યક્રમમાં તાપી જીલ્લાના કુલ ૧૦૩ જેટલા ખેડૂત ભાઈઓ બેહનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અદયક્ષ સ્થાને બિરાજમાન માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ કોરોના મહામારીમાં કેવિકે-વ્યારા દ્વારા આજના કાર્યક્રમની સરાહનીય કામગીરી બિરદાવી હતી. ડો. ટીંબડીયાએ તાપી જીલ્લાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ગાય આધારિત ખેતીથી થતાં ફાયદાઓ વિષે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિક્ષેત્રે રસાયણોનો વધુ પડતો ઉપયોગ ન કરતાં કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ જ ઉપયોગ કરવા ખેડૂતોને હાંકલ કરી હતી તથા હાલના સંજોગોમાં ખેતી ખર્ચ ઘટાડવા માટે ડાંગરની ખેતીમાં યાત્રીકરણની અગત્યતા સમજાવી હતી.
અતિથિ વિશેષ શ્રીમતી નૈતિકા એચ. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી, તાપી દ્વારા ખેડૂતોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોને મધમાખી વ્યવસાય થકી આવકની નવી તકો ઊભી કરવા પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે તાપી જીલ્લામાં કેવિકે થકી કરવામાં આવતી કૃષિલક્ષી કાર્યક્રમોમાં મહિલાઓની ભાગીદારીને બિરદાવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાંને આવકારી સદર કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે તાપી જિલ્લાના મુખ્ય પાક ડાંગરના વાવેતર સમયે થતાં રોપણી ખર્ચ તેમજ અન્ય મજૂરી ખર્ચ બચાવવા ખેડૂતોએ યાંત્રિકીકરણ તરફ આગળ વધવું જોઈએ. વધુમાં તેમણે ખેતી ક્ષેત્રે નવીનતમ તાંત્રિકતાઓ અપનાવવા આહલેક જગાવી હતી. શ્રી મયંક બોઘરા, ખેતી અધિકારી દ્વારા પાક વિમા યોજના વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના અધિકારી શ્રી મંથન ગોટી દ્વારા ડાંગરની ફેરરોપણીના મશીન તેમજ ખેડૂતોને મશીન માટે અનુકૂળ ધરુવાડિયું બનાવવાની પધ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ શ્રી આરીફ લાખાણી, ડીલર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા ખેડૂતોને એક એકર લેખે રૂ. ૨૫૦૦ મુજબ ડાંગરની ફેરરોપણીના મશીન ખેડૂતોને ભાડે આપવા જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન કેવિકે ફાર્મ ખાતે ડાંગરની ફેરરોપણીના મશીન નું લાઈવ નિદર્શન બતાવી તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other