તાપી જિલ્લાના યુવાનો સ્વયં આગળ આવી અન્યોને વેક્સિનેશન માટે પ્રેરિત કરી રહ્યા છે

Contact News Publisher

જિલ્લામાં ૨૮૪૪૮ જાગૃત યુવાનોએ કોરોના પ્રતિરોધક રસી લઇ અન્યોને રસી લેવા અપીલ કરી
………….
સ્ટે હોમ સ્ટે સેફનો મંત્ર આપતા જાગૃત યુવાન:ડૉ.શાલિન મરાઠે
…………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.15: તાપી જિલ્લામાં અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લામાં જ્યારે મહારસીકરણ ઝૂંબેશ અભિયાન શરૂ થયું ત્યારે પ્રથમ પ્રાધાન્ય આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને તમામ ફ્રંટલાઇનર્સને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ૧૮-૪૪ વર્ષના લાભાર્થીઓ માટે મહારસીકરણ અભિયાન શરૂ કરવમાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લામાં કુલ-૧૫ સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં યુવાનોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યારા સીટીના સીનીયર સીટીઝન ભવન ખાતે આજે રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
એક જાગૃત યુવાન ડૉ.શાલિન મરાઠે કોરોના પ્રતિરોધક રસી મુકાવી પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, “દરેક નાગરિકોએ કોરોના પ્રતિરોધક લઇ પોતાને અને પોતાના સ્વજનોને કોરોનાની મહામારીથી સુરક્ષિત રાખવા જોઇએ. ખુબ જ અગત્યનું કામ હોય તો જ ઘરમાંથી બહાર જાઓ અને જાઓ તો માસ્ક પહેરો. સ્ટે હોમ સ્ટે સેફ” વધુમાં તેમણે અપીલ કરી હતી કે, કોરોનાના કેસો ઘટતા ઘણા લોકો માસ્ક વગર બજારમાં ફરતા જોવા મળે છે. કેસો ભલે ઓછા થયા હોય કોરોના મહામારી મટી નથી તેથી હંમેશા માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળો. તેમણે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈને ખુશી વ્યક્ત કરી હતી.
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેર-ઠેર કોરોના જાગૃતિ કેમ્પો યોજીને નાગરિકોને સતત રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક યુવાનો આ ઝુંબેશમાં પોતે ઉદાહરણ બની વધુને વધુ લોકોને વેક્સિનના લાભ વિશે સમજણ પૂરી પાડે તે જરૂરી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા જણાવાયું કે, તાપી જિલ્લામાં ૧૮-૪૪ વર્ષના લાભાર્થીઓમાં અત્યાર સુધીના આંક મુજબ વ્યારા તાલુકામાં ૬૪૦૪ ડોલવણમાં ૧૮૩૪ વાલોડમાં ૬૫૯૨ સોનગઢમાં ૬૭૭૯ ઉચ્છલમાં ૨૨૬૨ નિઝરમાં ૩૦૮૬ અને કુકરમુંડામાં ૧૪૯૧ લોકો મળી કુલ- ૨૮૪૪૮ જાગૃત યુવાનોએ કોરોના પ્રતિરોધક રસી લઇ અન્યને પ્રરણા આપી છે. આ સાથે આજદિન સુધી જિલ્લામાં કોરોના રસીકરણનો કુલ આંક ૧૫૯૨૫૧ થયો છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૩૯૭૦૫ ડોલવણમાં ૧૯૮૩૦ વાલોડમાં ૧૮૦૫૪ સોનગઢમાં ૪૫૮૦૩ ઉચ્છલમાં ૧૬૬૧૦ નિઝરમાં ૧૧૮૪૪ કુકરમુંડામાં ૭૪૦૫ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other