માંગરોળ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવવધારા વિરુદ્ધ દેખાવો અને વિરોધ પ્રદર્શન
-આઠ કોંગી કાર્યકરોને માંગરોળ પોલીસે ડીટેઇન કર્યા.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પેટ્રોલ-ડિઝલના ભાવવધારા વિરુદ્ધ વાંકલ ગામે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરો ની પોલીસે તેમને ડીટેઈન કરી વાંકલ આરામગૃહ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો રમણભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી,તાલુકા પંચાયતના સભ્ય મોહનભાઈ કટારીયા,રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત,કનુભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવવધારાના વિરોધમાં વાંકલ ગામે દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર વહીવટમાં સદંતર નિષ્ફળ નીવડી છે જેનો ભોગ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બની રહ્યા છે મોંઘવારી પર સરકારનો કોઈ અંકુશ નથી.જેથી મોંઘવારીમાં દેશની પ્રજા પીસાઈ રહી છે સરકાર સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે પેટ્રોલ-ડીઝલ અને ગેસનો ભાવવધારો પરત ખેંચે અને દેશના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢે એ જ સમયની માંગ છે.સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રજાહિતમાં આંદોલનને ઉગ્ર બનાવશે તેવી ચીમકી કાર્યકરો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.