કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. ૦૫ જૂન ૨૦૨૧ ના રોજ “પરિસ્થિતિકીય પર્યાવરણની જાળવણી” વિષયને અનુલક્ષીને ખેડૂત જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૪૪ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાને આવકારી સદર કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું કે પર્યાવરણમાં આવતાં અસંતુલનને કારણે માનવ સ્વાસ્થ્ય તેમજ કૃષિ ક્ષેત્રે માઠી અસર જોવા મળે છે. તેમજ વધુમાં ખેડૂતોને પર્યાવરણનું જતન કરવા અને વધુને વધુ વૃક્ષો વાવવા હાંકલ કરી હતી. ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ પર્યાવરણની અસંતુલિતતાની માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ સરગવાના વૃક્ષને દરેક ઘરે વાવી જતન કરવા તેમજ સરગવાના માનવ સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે સમજાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ધર્મિષ્ઠા એમ.પટેલ, વૈજ્ઞાનિક(બાગાયત) દ્વારા કરવામાં આવ્યું હતું અને રસાયણોના અયોગ્ય ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે સમજાવ્યું હતું. સાથે હવા, પાણી અને જમીનથી થતા પ્રદુષણ તેમજ તેના નિવારણની સમજ આપી હતી. કાર્યક્રમના અંતે ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા ખેડૂતોને વૃક્ષો વાવીને તેનું જતન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આભારવિધિ કરી હતી.
સદર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂત મિત્રોને ખેડૂત દીઠ ૪૦ સરગવાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.