તાપીમાં કોરોનાનો કહેર શાંત પડ્યો : નોંધાયા માત્ર 4 કેસ
વહિવટી તંત્રના અધિકારીઓએ રસીના લાભ વિશે સમજાવ્યા બાદ ઉચ્છલ તાલુકાના ઝરણપાડા ગામના લોકોએ ઉત્સાહભેર વેક્સિનનો ડોઝ લીધો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 31: વિશ્વમાં કોરોના મહામારીએ જેવી રીતે પોતાનો કહેર વકર્યો છે તે ખુબ જ ચિંતાનો વિષય છે. વિશ્વમાં કરોડો લોકો કોરોનાની ચપેટમાં આવ્યા અને લાખો લોકો કોરોનાનો ભોગ બન્યા જેમાં આપણો દેશ પણ બાકાત રહી શક્યો નહીં. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને નિયંત્રિત કરવાના દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉલ્લેખનિય છે કે તાપી જિલ્લામાં જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાને નિયંત્રિત કરવા સરાહનિય કામગીરી કરી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ આજે જિલ્લામાં કોરોનાના માત્ર ૪ કેસો નોંધાયા છે.
રસીકરણ બાબતે જિલ્લામાં 148228 લોકોએ અત્યાર સુધી કોરોના પ્રતિરોધક રસી લઈને પોતાને સુરક્ષિત કર્યા છે. વહિવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પણ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી લોકોને રસી વિશેના ફાયદા અંગે સાચી માહિતી આપી વહેલી તકે રસી લેવા માટે સતત જાગૃત કર્યા હતા. અધિકારીઓએ જે રીતે ગામે ગામ ફરી લોકોને રસી અંગે જાગૃત કર્યા છે તેના પરિણામ સ્વરૂપે ઉચ્છલ તાલુકાના ઝરણપાડા ગામમાં લોકોએ ઉત્સાહભેર કોરોના પ્રતિરોધક રસી લીધી છે. વહિવટી તંત્રના અધિકારીઓએ વધુમાં વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી વિશે જાગૃત કરવાનું અભિયાન જારી રાખ્યું છે અને મારૂ ગામ કોરોના મુક્તગામ મહાઝુંબેશ થકી તાપી જિલ્લાને સંપૂર્ણપણે કોરોના મુક્ત બનાવવાના સંકલ્પ સાથે તમામ વિભાગોએ કોરોનાકાળમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
૦૦૦૦૦૦૦