એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા માંડવી અને વ્યારાની સરકારી કોવિડ હોસ્પિટલોમાં ૧૨૦ ઑક્સિજન બેડ અને અન્ય જીવનરક્ષક દવાઓની વ્યવસ્થા માટે કુલ રૂ. ૯૭.૦૦ લાખની સહાય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :માંડવી તાલુકો અને આસપાસના વિસ્તાર અને તાપી જિલ્લામાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ મોટા પ્રમાણમા જોવા મળે છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને મદદરૂપ થવા એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથકના સી.એસ.આર.કાર્યક્રમ હેઠળ આરોગ્ય સુવિધાઓના વિસ્તાર માટે જરૂરી નાણાકીય સહયોગ માટે હમેશા તત્પર છે. કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એમ. વેંકટચલમના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ ગ્રસ્ત દર્દીઓને જરૂરી સારવાર ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે માંડવી સરકારી હોસ્પીટલમાં રૂ. ૭૪.૪૦ લાખના ખર્ચે ૧૨૦ બેડ માટે ઓક્સિજન લાઇન, ઓક્સિજન પ્લાન્ટ પ્લૅટફૉર્મ સહિતની માળખાકીય સુવિધાઓના વિકાસ માટે તારીખ ૦૬/૦૫/૨૦૨૧ ના રોજ એક સમજૂતી કરાર કરવામાં આવેલ છે. તેમજ તાપી જિલ્લો અને આસપાસના જિલ્લાઓના કોવિડ-૧૯ ગ્રસ્ત દર્દીઓને જરૂરી સારવાર ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પીટલમાં રૂ.૨૨.૬૧ લાખના ખર્ચે કોવિડના દર્દીઓની સારવાર માટે અત્યંત આવશ્યક એવી જીવનરક્ષક દવાઓ અને વિવિધ સાધનો ઉપલબ્ધ કરવા માટે તા.૦૫/૦૫/૨૦૨૧ ના રોજ એક સમજૂતી કરાર કરવામાં આવેલ છે. આમ બંને કરારો દ્વારા એનપીસીઆઇએલ–કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ અને વ્યારા જનરલ હોસ્પિટલમાં મળી કુલ રૂ.૯૭.૦૦ લાખની નાણાકીય સહાય ફાળવવામાં આવેલ છે. તદુપરાંત જિલ્લા વહીવટીતંત્રને કોરોના દર્દીઓની સારવાર માટેની સુવિધા માટે જરૂરી ઑક્સીજન સિલિન્ડર અને કોપર ટ્યુબ તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવેલ છે. આરોગ્ય સેવાઓમા કોવિડ-19 ની બીજી લહેરને કારણે ઊભી થયેલ વધારાની જરૂરિયાતોને પહોચી વળવા માટે મદદરૂપ થવા કેએપીએસ હોસ્પિટલના એક તબીબને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખાતે સેવારત કરવામાં આવેલ છે.
વધુમાં ગત વર્ષે એનપીસીઆઇએલ–કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોવિડ-19 ના દર્દીઓની સારવારની સુવિધા તૈયાર કરવા માટે માંડવી સરકારી હોસ્પિટલમાં રૂ.૪૮.૦૦ લાખના ખર્ચે 30 બેડ માટે ઓક્સિજન લાઇન અને ૧૫ નંગ બીઆઇપીએપી વેન્ટિલેટર ફાળવવામાં આવેલ છે અને વ્યારા જનરલ હોસ્પિટલમાં રૂ.૨૬.૫૦ લાખના ખર્ચે વિવિધ જીવનરક્ષક આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત બંને સમજૂતી કરાર પર કાકરાપાર અણુવિદ્યુત મથક વતી ચેરમેન સીએસઆર શ્રી નિતિન જે. કેવટ, મેડિકલ સુપ્રિન્ટેંડંટ, કેએપીએસ હોસ્પિટલ ડૉ. જ્યોતિ પુરંદરે અને સરકારી હોસ્પિટલ, માંડવી વતી સુપ્રિન્ટેંડંટ ડૉ.પરિમલ ચૌધરી તેમજ જનરલ હોસ્પિટલ, વ્યારા વતી સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરીએ હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતી કરાર થયેથી સરકારી હોસ્પિટલ, માંડવી અને જનરલ હોસ્પિટલ દ્વારા જરૂરિયાત મુજબની સુવિધાઓ, ઉપકરણો, સાધનો વગેરેની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને માંડવી તાલુકો અને તાપી જિલ્લાના આસપાસના કોવિડ-૧૯ દર્દીઓને તેનો લાભ મળશે તબીબો પણ હોસ્પિટલમાં આવનાર દર્દીઓને વધુ સારી સેવાઓ પૂરી પાડી શકશે. ઉપરોક્ત હોસ્પિટલોમાં સુવિધાઓનો ઉમેરો થવાથી, તેનો મહત્તમ લાભ આદિવાસી બહુલ વિસ્તારના છેવાડાના જરરૂરતમંદ દર્દીઓને સમયસર સારવારથી મળશે.