તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના નિવેદનને રદિયો અપાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૨: તારીખ ૧૨ મે-૨૦૨૧ના રોજ તાપી જિલ્લાના કેટલાક દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના દ્વારા તાપી જીલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલાં મરણ થયેલ છે, અને સરકાર કોરોનાના કેસ જ નહીં મોતના આંકડા પણ છૂપાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બાબતે મુખ્ય જીલ્લા તબીબી અધિકારી જનરલ હોસ્પિટલ, વ્યારા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત, તાપીની સંયુક્ત યાદીમં જણાવ્યા મુજબ તાપી જીલ્લામાં આજ દિન સુધી કોરોનાને કારણે ૧૫ તથા કોરોના પોઝીટીવ હોય પરંતુ અન્ય બિમારીઓ (કોમોરબીડીટી)ના કારણે ૯૫ મરણ નોંધાયેલ છે. સામાન્ય સંજોગોમાં પણ વર્ષ દરમ્યાન અન્ય બિમારીઓ તથા કુદરતી કારણોસર મરણ થતાં જ હોય છે.
આ ઉપરાંત તાપી જીલ્લામાં પી.એમ. કેરમાંથી ફાળવેલ વેન્ટીલેટર ચાલુ નથી તે બાબતે જણાવવાનું કે, જનરલ હોસ્પિટલ ખાતેના વેન્ટીલેટર ચાલુ હાલતમાં છે પરંતુ વપરાશમાં ન હોય તેને અલગ રૂમમાં મુકવામાં આવેલ છે. જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આમ,વેન્ટીલેટરનો કનેક્ટરના અભાવે ઉપયોગ થતો નથી તે હકીકત પણ સાચી નથી.
આમ, માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરી દ્વ્રારા આપવામાં આવેલ નિવેદન હકીકતલક્ષી નથી એમ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી જનરલ હોસ્પિટલ, વ્યારા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત, તાપી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦