તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે દર્દીનારાયણની સેવા માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલની પ્રશંસનિય પહેલ: ઓક્સિજન ગેસ પડતર કિંમતે પુરો પાડવા કટીબધ્ધતા વ્યક્ત કરી
તાપી જિલ્લાના નાગરિકો માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલની સેવાનો કલેક્ટર આર.જે.હાલાણીએ આભાર વ્યક્ત કર્યો..
…………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) 07: વિશ્વમાં હાલ કોરોનાનો રોગચાળો એક ચિંતાનો વિષય છે. દેશભરમાં કોરોનાએ ભારે કહેર વરસાવ્યો છે. ત્યારે હાલ આપણા સૌના માટે પરિસ્થિતિ ચિંતાજનક છે. આવા સમયે કોરોનાના દર્દીઓની રિકવરી માટે બેડની સાથે જરૂરિયાત મુજબ ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે પણ ખુબ જ જરૂરી છે.
કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લેતા તાપી જિલ્લાની સરકારી જનરલ હોસ્પિટલ વ્યારા અને કાલિદાસ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ દ્વારા કોઈપણ જાતના વધારાના નફા વિના મૂળ પડતર કિંમતે પ્રતિ બોટલના રૂપિયા 400ના દરે ઓક્સિજન ગેસ પુરો પાડવામાં આવશે.
આજરોજ તાપી જિલ્લાની જાહેર જનતાના લાભાર્થે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સેવા માટે પ્રેરક પહેલ કરનાર મઝદા ઈન્ડસ્ટ્રીઝનો તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કોરોના જેવી મહામારીના મુશ્કેલ સમયમાં દર્દીનારાયણની સેવા માટે વધુમાં વધુ લોકો આગળ આવે અને છેવાડાના માનવી સુધી આપણે લોકોને ઉપયોગી બનીએ એવી અપેક્ષા પણ કલેકટરશ્રી હાલાણીએ વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦૦૦૦