રસીકરણ પહેલા રક્તદાનનું મહત્વ સમજો : રસીકરણ બાદ ૧૪ દિવસ પછી રક્તદાન કરી શકાશે
એક વખતનું રક્તદાન ૩-૪ દર્દીઓનું જીવન બચાવી શકે છે.*
………
-સંકલન- વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૦૬: વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ, કોવિડ-19ના સંક્રમણ સામેની જંગમાં ગુજરાતના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોના પર જીત મેળવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’ની પ્રતિબદ્ધતા સાથે વ્યાપક પગલાં લેવા સૌને પ્રેરિત કર્યા છે. કોરોનાથી બચવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે ત્યારે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઇ મોદીથી લઇ તાપી જિલ્લાના સરપંચો સુધી સૌ રસીકરણ અભિયાનમાં જોડાયા છે. આ પ્રક્રિયામાં એક બાબત ધ્યાન બહાર રહી ગઇ છે જે છે – રક્તદાન. સૌએ રસીકરણ અવશ્ય કરાવવું જોઇએ પરંતુ તે પહેલા રકતદાન કરવું જરૂરી છે.
ભારત સરકારના પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ.સુનીલ ગુપ્તા દ્વારા બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર રસીકરણ બાદ ૧૪ દિવસ પછી રક્તદાન કરી શકાશે. જેથી દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ભારે અછત નિવારી શકાય અને કોઇ અમંગળ ઘટનાને ટાળી શકાય.
*શા માટે રસીકરણ પહેલા રક્તદાન કરવું જોઈએ?*
વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી ૧૪ દિવસ સુધી અને બીજો ડોઝ લીધાના ૧૪ દિવસ પછી જ બ્લડ ડોનેટ કરી શકાય છે. વેક્સિન લીધા પછી તમારા શરીરમાં એન્ટીબોડીના સેલ બનતા હોય છે. તેથી આ સમય દરમિયાન તમે બ્લડ ડોનેટ કરી શકતા નથી. વેક્સિન લીધાના ૧૪ દિવસનો સમય વિત્યા બાદ તમે ફરી બ્લડ ડોનેટ કરી શકો છો.
વળી થેલેસેમિયા, સિકલસેલ અને એનીમિયા જેવા રોગોમાં દર્દીને દર મહિને રક્તની જરૂર હોય છે. અને જ્યારે તાપી જિલ્લામાં એનિમિયાથી પીડાતા લોકોનું પ્રમાણ વધુ હોય આવા દર્દીઓ માટે મદદનો હાથ લંબાવવો જરૂરી છે.
*દાન કરાયેલા લોહીનું શું થાય છે?*
રક્ત મેળવ્યા પછી બ્લડ બેંક તેનો ઉપયોગ સંપૂર્ણ લોહી તરીકે અથવા વિવિધ લોહીના ઘટકો જેમકે લાલ રક્તકણો, પ્લાઝમા, પ્લેટલેટ્સ, ક્રાયોપ્રેસિપિટેટ વગેરેને અલગ અલગ રીતે ઉપયોગમાં લે છે. તેથી બ્લડ બેંકોમાં કમ્પોનન્ટ સુવિધા હોવાથી એક રક્તદાન ૩-૪ દર્દીઓનું જીવન બચાવી શકે છે. દરરોજ દાન કરાતા બ્લડ યુનિટનું બ્લડ ગૃપિંગ અને એન્ટીબોડી સ્ક્રીનીંગ માટે પરીક્ષણ થાય છે. તેમાં ખાસ કરીને પાંચ ફરજિયાત પરીક્ષણો જેમકે એચ.આઈ.વી ૧ અને ૨, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, સિફીલીસ અને મેલેરિયાના ચેપના પરીક્ષણો થાય છે. જો આ તમામ પાંચ ચેપમાં નેગેટિવ રિપોર્ટ આવે તો ત્યારે જ દર્દી માટે લોહી / લોહીના ઘટકો ઉપયોગમાં લેવામા આવે છે નહીંતર લોહી/લોહીના ઘટકોનો નિકાલ કરી દેવામાં આવે છે. સંપૂર્ણ લોહી અને લાલ રક્તકણો ૨-૬ ડિગ્રી સે. તાપમાને, પ્લાઝમા – ૩૦ ડિગ્રી સે. થી ઓછા તાપમાન અને પ્લેટલેટ્સ ૨૦-૨૪ ડિગ્રી સે. તાપમાને ખાસ સ્ટોરેજ કેબિનેટ્સમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ સંગ્રહિત લોહી/લોહીના ઘટકો નિશ્ચિત સમયમાં દર્દીઓને પહોંચાડી દેવામાં આવે છે.
*બ્લડ ડોનેટ કરવાના ફાયદા પણ છે.*
નિયમિત રક્તદાન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે. બ્લડ ડોનરને કાર્ડિયોવેસ્ક્યુલર ડીસીઝ થવાની સંભાવનાઓ 33 ટકા જેટલી ઓછી રહે છે. નિયમિતપણે લોહી આપવાથી લિવરની કામગીરી સુધરે છે. લોહીમાં લિપિડની માત્રા ઘટે છે. એક વાર બ્લડ ડોનેટ કરવાથી 650 કેલરી બળે છે. રક્તદાન કરવા જાઓ ત્યારે મિનિ ચેકઅપ થઇ જાય છે. બ્લડપ્રેશર, શુગર, હિમોગ્લોબીન, પલ્સ રેટ જેવું જનરલ હેલ્થ સ્ક્રીનિંગ થાય છે તેથી તમે કેટલા સ્વસ્થ છો તે જાણી શકાય છે.
*રક્તદાન કર્યા પછી કરો આ કામ:*
શરીરમાં રક્તદાન માટે જે જગ્યાએ સોયનો ઉપયોગ કર્યો હોય તે જગ્યાને પાણી અને સાબુથી ધોઈને તે જગ્યા સાફ કરો. તે પછી, ઓછામાં ઓછા અડધા કલાક સુધી સૂઈ જાઓ જેથી શરીરને આરામ મળે. ભારે વસ્તુઓ ઉઠાવવા અને મહેનત વાળા કામ ન કરશો. રક્તદાન પછી એવું પીણું પીવો જેમાં શુગરની વધુ માત્રા હોય. તેનાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર સરળતાથી જળવાશે. રક્તદાન કર્યા પછી તરત જ વાહન ચલાવશો નહીં તથા વ્યસનથી દુર રહેવુ જોઈએ.
*તાપી જિલ્લામાં રક્તદાન કરવા સંપર્ક કરો:*
એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્ર, જનકસ્માર્ક હોસ્પિટલ, વ્યારા તથા રેડક્રોશ સોસાયટી, કાળીદાસ હોસ્પિટલ, વ્યારા ખાતે રકતદાન કરી શકાય છે. જેમા જનકસ્માર્ક ખાતે એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોય છે. ફોન નં-૦૨૬૨૬-૨૨૦૨૫૧ ઉપર સંપર્ક કરી શકો છો.
રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારની સાથે પુરા સમાજને મદદ કરી શકાય છે. આજે સમાજને જાગૃત નાગરિકોની જરૂર છે. આપણે સૌ મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને અન્યની જિંદગી બચાવવા આપણું બહુમુલ્ય યોગદાન આપીએ.