તાપી જિલ્લામાં કોરોનાને હરાવવા મદદનો હાથ આપતા અનેક સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટો
વ્યારા મેડિકલ એસોસિએશન, સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ, આશિર્વાદ
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું
સંકલન –વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૨૮: કોરોના મહામારીને નાથવા રાષ્ટ્રીય કક્ષાએ સરકારથી લઇ ગામના સામાન્ય વ્યક્તિ સુધી સૌ એકજૂથ થઇ કામગીરી કરી રહ્યા છે. દેશમાં વ્યાપેલી મહામારીમાં અનેક લોકોએ આગળ આવી સ્વૈચ્છિક રીતે મદદનો હાથ લંબાવ્યો છે. કોરોનાના કપરાકાળમાં તાપી જિલ્લામાં અનેક સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટો અને સેવાભાવી લોકો દ્વારા અન્યને મદદરૂપ બનવાના સુપ્રયાસો કરવામાં આવ્યા છે.
હાલમાં કોરોનાની બીજી લહેરની સામે ઉપલબ્ધ હોસ્પિટલ અને તેમાં ઉપયોગી જરૂરી માળખાકીય સંસાધનો દર્દીઓની સંખ્યા સામે પુરા પાડવા માટે આપણે અગવડોનો સામનો કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં આ પરિસ્થિતિના ઉદભવે તેવા આવકારદાયક વિચાર સાથે વ્યારા મેડિકલ એસોસિએશન, સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ, આશિર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકા મુજબ કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. વ્યારામાં તાલુકા શાળાના કુમાર છાત્રાલય ખાતે આ નવું કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
આ સેન્ટર ખાતે 20 બેડ, 6 ઓક્સિજનના સિલિંન્ડર યુક્ત બેડ તથા જરૂરી દવાઓ-ઇંજેકશન તથા સપોર્ટીવ સિસ્ટમ જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે નર્સ અને આરોગ્ય કર્મીઓનો સ્ટાફ કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ૨૪X૭ હાજર રહેશે. આ સિવાય તાપી જિલ્લાના તજજ્ઞ ડોક્ટરોની ટીમમાં ડો. શાંતિલાલ ચૌધરી, ડો.સુરેશભાઇચૌધરી, ડો.અરવિંદભાઇ પટેલ, અને વિઝીટીંગ ડોક્ટર તરીકે ડો.અંકિતભાઇ ભારતી તથા ડો.જિગર ચૌધરી ખડેપગે દર્દીઓની સેવા માટે હાજર રહેશે. આ ઉપરાંત ચૌધરી સમાજ દ્વારા એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ ટ્રસ્ટોએ સંયુક્ત રીતે આવી પડેલ પ્રરિસ્થિતિને પહોંચી વળવા જરૂરિયાતની સાધન-સામગ્રીઓ ઝડપથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં જ એક શબવાહિની પણ આ ટીમોએ કાર્યરત કરી દીધી છે.
આ આઇસોલેશન સેન્ટર અંગે રાજ્યના આરોગ્ય વિભાગના નિવૃત્ત હેલ્થ ઓફિસર ડો. શાંતિલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “હાલ અહી ત્રણ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. એવા લોકો જેને કોરોનાની શરૂઆત જ થઇ હોય અને જેને આઇસોલેટ કરતા થોડા જ દિવસમાં સ્વસ્થ થઇ જાય તેવા લોકો માટે અહિ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એવા લોકો જેના ઘરે હોમ કોરન્ટાઇન કરવા માટે અલગ રૂમ નથી હોતા તેઓને પણ અહી દાખલ કરી તેઓના પરિવારને કોરોનાના સંક્રમણનો ભોગ બનતા બચાવી રહ્યા છે. તાપી જિલ્લાના ગામડાઓમાંથી આવતા ગરીબ લોકો કે જેઓને આઈસોલેશનની જરૂરિયાત છે તેવા લોકો મુંઝવણ ન અનુભવે તે માટે અમને આ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર આવ્યો. દર્દીઓને સાચી સલાહ મળે અને તેઓને બચાવવાનો અમારો પ્રયાસ રહેશે. શહેરના નામાંકિત ડોકટરોને પણ વિઝિટ માટે બોલાવવાનું અમારૂં આયોજન છે. આમ જિલ્લા વહીવટી તંત્ર ની સાથે રહીને અમે અમારૂં યોગદાન આપતા રહીશું એવી ભાવના વ્યક્ત કરીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું કે, “હાલ અમે સૌ રીટાયર્ડ છે પરંતુ રીટાયર્ડ ડૉક્ટર પણ ડૉકટર જ કહેવાય. દેશ અને દુનિયામાં જ્યારે મેડિકલ સ્ટાફની અછત વર્તાઇ રહી છે ત્યારે અમારા જેવા રીટાયર્ડ ડોકટરો પોતાના અનુભવોનો લાભ જાહેર જનતાને આપી મદદ માટે આગળ આવે તે આજના સમયની માંગ છે. અહીં દાખલ થયેલા દર્દીને વધુ સારવારની જરૂરિયાત ઉભી થાય ત્યારે તેને જનરલ હોસ્પિટલ કે કોવિડ હોસ્પટલમાં ખસેડવાની વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ. આ સેન્ટર શરૂ કરવા પાછળનો અમારો ઉદ્દેશ માત્ર સમાજસેવા છે.”
હાલની પરિસ્થિતિ જોતા કોરોના મહામારીના કપરા સમયે દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે જાહેર જનતા પણ મદદ માટે આગળ આવે તે આવકાર્ય છે. દિન-પ્રતિદિન વધતા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સેવાભાવી લોકોની નાનામાં નાની સહાય પણ સમાજમાં જિલ્લાનું સારું ચિત્ર ઉભુ કરવા નિમિત્ત બની રહી છે.
00000000000