કેવડી ગામના સરકારી દવાખાના પર આર.એસ.એસ. દ્વારા દર્દીઓને ચા-બિસ્કીટ ઉકાળો નાસ્તાનું વિતરણ કરાયું
આર.એસ.એસ.ના સ્વયંસેવકો સતત પાંચ દિવસ દર્દીઓને સેવા આપશે.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉંમરપાડા તાલુકાના કેવડી ગામના સરકારી દવાખાના ખાતે આર.એસ.એસ.ના સ્વયંસેવકોએ દર્દીઓને ચા-બિસ્કીટ ઉકાળો અને નાસ્તાનું વિતરણ કરી કોરોના કાળમાં માનવતા મહેકાવી છે.હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે કેવડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે આવા સંજોગોમાં વેપારી મથકના કેવડી ગામે સરકારી દવાખાનામાં સારવાર લેવા સ્થાનિક તેમજ દેડીયાપાડા સહિત અન્ય તાલુકાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ભાવેશભાઈ મિસ્ત્રી અને આરોગ્ય વિભાગનો સ્ટાફ રાત દિવસ દર્દીઓને સારવાર આપી રહ્યા છે ત્યારે ઉંમરપાડા તાલુકાના આર.એસ.એસના સ્વયંસેવકોએ લોક સહયોગથી મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા દર્દીઓને માસ્ક સેનેટાઈઝર તેમજ ચા બિસ્કીટ ઉકાળો અને મગના નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ જણાવ્યું કે આ કપરા સંજોગોમાં અમે સતત પાંચ દિવસ કેવડી ગામની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે અને ઉત્સાહપૂર્વક તમામ સ્વયં સેવકોએ સેવા કાર્યોનો પ્રારંભ કર્યો હતો.