કોવિડ વાઇરસની મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક ઉપાયો
આયુષ મંત્રાલય દ્વારા કોવિડ-19ની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો જણાવવામાં આવ્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.23: ગુજરાત સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડ-19ની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તાપી જિલ્લામાંથી કોરોનાને નાબુદ કરવા માટે દરેક વ્ય્ક્તિએ આ ઉપાયો અપનાવવા જરૂરી છે.
શું કરવું?
દિવસભર ગરમ પાણી પીવું. કફ, શરદી, શ્વાસ અને કોવિડ સંબંધિત તકલીફ હોય તેમણે ૧ ચમચી સૂંઠ ૨ લિટર પાણીમાં નાખીને ૧ લિટર વધે ત્યાં સુધી સવારે ઉકાળવું અને નવશેકું ગરમ દિવસ ભર લેવું વધુ હિતાવહ છે. રસોઈમાં હળદર,જીરું, ધાણા અને લસણનો ઉપયોગ કરવો, બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો. ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો ગરમ ખોરાક લેવો. બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ લેવી. શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળુ, સરગવો,આદુ ,હળદર, લસણ અને ફુદીનો લેવા. ફળમાં પાકું પપૈયુ, દાડમ, પાકી કેરી, મોસંબી આમળા જેવા સુપાચ્ય ફળ લેવા.
સુર્યોદય પહેલા જાગી જવું, નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. જમીને ડાબા પડખે ૩૦ મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો. ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે સૂક્ષ્મ વ્યાયામ કરવા. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) કરવો. હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને મુનક્કા અથવા કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળોપીવો. ગોળ અને તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય. દિવસમાં એક કે બે વાર ગરમ લેવો. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, ફૂદીનો નાખી નાસ લેવો. ગરમ પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા.સૂર્યના કુણા તડકાનું સેવન કરવું. ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો. નસ્ય-બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી ના એક બે ટીપાં નાખવા.
શું ના કરવું?
ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફીજનું ઠંડુ પાણી પીવુ નહી. પચવામાં ભારે, તળેલા, મીઠાઇ, શ્રીખંડ, મો, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. લાંબા સમય સુધી ભુખ્યા રેહવુ નહી તેમજ ભૂખ કરતાં વધારે પ્રમાણમા જમવું નહીં. પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી તથા વાયુ કરે તેવા શાક ના લેવા જેમકે ભીંડા, ગવાર વિગેરે વધુ ના લેવા. પચવામાં ભારે તથા ચિકણા ફળો જેમકે કેળા, જામફળ, સીતાફળ વિગેરે ના ખાવા. રાત્રે ઉજાગરા કરવા નહી દિવસે જમીને તરત વધુ ઉંઘવુ નહી. વધુ પરિશ્રમ અને વ્યાયામ કરવો નહી. વધુ ઠંડા પીણા ના લેવા. કફ વધારે તેવો શેરડીનો રસ, લસ્સી ના લેવા. ફ્રીજનું ઠંડુ દૂધ, ઠંડી છાસ ના લેવા. ઠંડા પવનનું સેવન વધુ ના કરવું. એસી તથા એરકુલર નો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો. સીન્થેટીક સ્પ્રે વિગેરેનો ઉપયોગ ટાળવો. નસ્ય-શાસ્ત્રીય ના હોય તેવા આયુષ મંત્રાલયે ના સૂચવેલ પ્રયોગો ના કરવા.
આ ઉપયો ઉપરાંત નજીકના સરકારી આયુર્વેદ દવાખાના કે હોસ્પિટલ કે અન્ય આયુર્વેદ ચિકિત્સાલયના રજિસ્ટર્ડ આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શનમાં આપની પ્રકૃતિ અને રોગ વિગેરેની અવસ્થા મુજબ આપને માટે સ્વસ્થ રહેવા જરૂરી આહાર વિહારનું માર્ગદર્શન મેળવી તેનું અનુસરણ કરવું વધુ હિતાવહ છે.
૦૦૦૦૦