બારડોલી પ્રાંત કચેરીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોના દર્દીઓ માટે આર્શીવાદરૂપ એવા રેમડિસીવીર ઈન્જેકશનો માટે મેળવવા માટે સુરત જિલ્લાના ગ્રામ્ય તાલુકાના દર્દીઓને મેળવવામાં તકલીફ ન પડે તે માટે બારડોલી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે.
બારડોલી ખાતેથી સંબધિત હોસ્પિટલના નિયત ફોર્મ મુજબ જે અંતર્ગત બારડોલી તાલુકાના કુલ ૧૨ ખાનગી હોસ્પિટલ તેમજ C.H.C. બારડોલી, પલસાણા તાલુકાની ૧૦, કામરેજ તાલુકાની કુલ ૧૭, ઓલપાડ તાલુકાની ત્રણ, માંગરોળ તાલુકાની ત્રણ હોસ્પિટલ, માંડવી તાલુકાની પાંચ ખાનગી હોસ્પિટલો તથા C.H.C. માંડવી અને મહુવા તાલુકાની માલીબા કોવિડ કેર સેન્ટર મળીને કુલ ૫૩ હોસ્પિટલોને જથ્થા પ્રમાણે રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવણી કરવામાં આવી રહી છે.
આ જથ્થાના અનુસંધાને નવા દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવાની પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ ઇન્જેકશનની ઉપલબ્ધતાને આધારે બીજા અને ત્રીજા ડોઝની ફાળવણી કરવામાં આવશે તેમ બારડોલી પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે.