રોટરી ક્લબ, વ્યારા અને ઈનરવ્હીલ કલબ, વ્યારાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સન્માન સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ, વ્યારા અને ઈનરવ્હીલ કલબ, વ્યારાના સંયુક્ત ઉપક્રમે સોમવાર તા. 8-3-2021 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનાં ભાગરૂપે મહિલા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિંદગીનાં પડકારો ઝીલીને પોતાનાં કાર્યક્ષેત્રે તેમનું વિશિષ્ટ યોગદાન હોય તેમજ સ્ત્રી ઉત્થાન માટે સમાજમાં પ્રેરણાસ્ત્રોત બન્યાં હોય એવી જુદા-જુદા ક્ષેત્રેની 17 મહિલાઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યાં. સાહિત્ય – વહીવટી તંત્ર – લેખન – તબીબી – શિક્ષણ – સમાજસેવા – સંરક્ષણ – રમતગમત – નર્સિંગ – સફાઈ કામદાર જેવા વિવિધ ક્ષેત્રે આગવી સેવા પ્રદાન કરનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર – શાલ – પુસ્તક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરુઆતમાં રોટરીની મહિલા સભ્યોએ પ્રાર્થના રજૂ કરી, રોટરીની ફોર-વે ટેસ્ટનું વાંચન રો. વંદના વાણીએ કર્યું. સ્વાગત પ્રવચન ઈનરવ્હીલ પ્રમુખ ફાલ્ગુની રાણાએ કર્યું. મહિલા દિવસ અને મહિલા સન્માનનો કાર્યક્રમ હોય નગરની વિવિધ મહિલા મંડળના પદાધિકારીઓ તેમજ અગ્રગણ્ય ભગિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રોટરી – ઈનરવ્હીલ – રોટરેક્ટ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
સન્માનના પ્રતિભાવમાં – પ્રોફેસર દક્ષાબેન વ્યાસ કે જેઓ શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયેલ છે તેમણે તેમનાં વિશિષ્ટ અંદાજમાં આપ્યો. હજી સ્રીઓની સ્થિતિ જોઈએ એટલી બદલાઈ નથી. આજનાં સમયમાં હજુ પણ સ્ત્રીઓને પુરુષો તરફથી સહન કરવી પડતી તક્લીફો – યાતનાઓનો ઉલ્લેખ કર્યો .
છેલ્લા 39 વર્ષથી નગરમાં સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે સેવા આપતાં ડૉ. ભારતીબેન પટેલે તેમના પ્રતિભાવમાં, તાપી જિલ્લામાં વર્ષોથી આદિવાસી સમાજમાં પ્રવર્તી રહેલી જાગરુકતા અને આધુનીક વિચારધારાને કારણે સમાજ પ્રગતિ કરી શક્યો હોવાનાં દ્રષ્ટાંતો આપ્યાં.
દંતચિકિત્સા ક્ષેત્રે તાપી જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતનું એક્માત્ર અત્યાધુનિક ડીજિટલ ક્લિનીક ધરાવતાં ડૉ.શીતલબેન શાહે પોતાના પ્રતિભાવમાં સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણાવી અને હાજર સર્વે મહિલાઓને આહવાન કર્યું કે જે તક મળે તે ઝડપી લઈ પોતાની મહેનત અને ધગશથી સ્ત્રીઓએ આગળ આવવું રહ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન QAMO ડૉ. કે. ટી. ચૌધરી સાહેબે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
સન્માન સમારંભની સાથેસાથે કોરોના કાળમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત ઓનલાઈન નિબંધ –વાર્તા લેખન સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વય આધારીત 3 વિભાગો માં 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટંસીંગના સરકારી આદેશોને કારણે જાહેર કાર્યક્રમનું આયોજન થવું શક્ય ન હોય આજના પ્રસંગે ત્રણે વિભાગના કુલ્લે 13 વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં રોટરી ક્લબ વ્યારાનાં ઉત્સાહી સભ્ય રો. રીનલ ગાંધીએ કર્યું હતું. કાર્યક્રમના સફળ સંચાલનમાં રોટરેક્ટ ક્લબ વ્યારાના રોટ.માનવ શેઠ અને રોટ. રસ્કીન પંડયા એ સક્રિય સેવા આપી હતી. આભારવિધી રોટરી પ્રમુખ દ્વારા કરવામાંઆવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેર રો. વંદના વાણી, ઈનરવ્હીલ પ્રમુખ ફાલ્ગુની રાણા, રોટરી ક્લબના પ્રમુખ રો. ગૌરંગ દેસાઈ તેમજ મંત્રી રો. હીતેષ ગાંધીએ ભારે જહેમત ઉઠાવી હતી.