તાપી જિલ્લામાં વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩જી માર્ચે વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વ્યારા સ્થિત નર્સીંગ સ્કુલ, ઇન્દુ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. બાળકના જન્મ સમયે બર્થ ડિફેક્ટ (જન્મજાત ખામી)ની શક્યતાઓ રહેલી હોય છે તથા દરેક બાળકના જન્મ સમયે બર્થ ડિફેક્ટ માટે તપાસ થાય તે અતિ મહત્વનું છે. તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધીના બાળકોની 4D (ડિફેક્ટ, ડિસેબીલીટી, ડીસીઝ અને ડેવલપમેન્ટ ડીલે) માટે તપાસ કરીને સારવાર કરવામાં આવે છે. જેથી આવી ખામી ધરાવતા બાળકની યોગ્ય સારવાર કરી મોટા પ્રમાણમાં મૃત્યુ તેમજ લાંબા ગાળાની ડિસેબીલીટી અટકાવી શકાય.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ બી. પટેલ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ, વ્યારાના બાળરોગ નિષ્ણાંત ડો. દિપક ગામીતે બર્થ ડિફેક્ટની સારવાર તથા એસ.એન.સી.યુનું મહત્વ સમજાવ્યું હતું. મોદી હોસ્પિટલ, વ્યારાના ડો. નેહા તથા ડો. ભાવેશ ત્રાડા દ્વારા બર્થ ડિફેક્ટ નિદાન તથા સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતુ.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત ટીમના તમામ સભ્યોની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી હતી. સમ્ગ્ર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ક્ષેત્રીય કક્ષાએ પણ કાર્યક્રમનું આયોજન કરી લોકજાગૃતિ કરવામાં આવી હતી.
૦૦૦૦૦