તાપી : જિલ્લા પંચાયતનાં ભીમપુરા બેઠકનાં હારેલા ઉમેદવારે હારનો ગુસ્સો પત્રકાર ઉપર ઉતાર્યો
Contact News Publisher

તાપી જિલ્લાના પત્રકારોએ આ ઘટનામાં સખત કાર્યવાહીની માંગ કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તો ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર જીત્યા. ભારતીય જનતા પાર્ટીને તાપી જિલ્લામાં ઐતિહાસિક જીત મળી છતાં પણ ભીમપુરા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ત્યાંના સ્થાનિક પત્રકાર અનિલભાઈ પર હુમલો કર્યો જેમાં તેમના હાથના ભાગે ફેક્ચર આવ્યું તેના વિરોધમાં આજરોજ પત્રકારોએ તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસ.પી.ના આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરી.
પત્રકાર એ સમાજનો આયનો કહેવાય છે સમાજમાં ઘટતી દરેક ઘટના તે તંત્ર સુધી પહોંચાડે છે સમાજમાં કોઈ સાથે અન્યાય થાય કે કોઈ પણ હુમલો થાય ત્યારે પત્રકાર યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરે છે, પરંતુ ક્યારેક આવા પત્રકારો પર જ કેટલાક માથાભારે તત્વોએ હુમલો કરતા હોય છે ત્યારે તંત્રની કાર્યવાહી સામે સવાલ ઊભા થતાં હોય છે ગતરોજ સમગ્ર રાજ્યની જેમ તાપી જિલ્લામાં કોંગ્રેસને પણ ચૂંટણીના પરિણામ આવ્યા. જેમાં પ્રથમ વખત ઐતિહાસિક વિજય મળ્યો તો ક્યાંક ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોની પણ જીત થઈ. અને ચૂંટણી છે જેમાં હારજીત થતી રહે છે, જેમાં ભીમપુરા જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવારની બ્રેકિંગ ન્યુઝ ટ્રાયબલ ન્યુઝ અને માય TVના પત્રકારે ચલાવી હતી. જે વિશે ભાજપના ઉમેદવારને ખોટું લાગી આવતા તેમણે અનિલભાઈને જાહેર રસ્તા પર તેમના સમર્થકો સાથે મળી ઢોર માર મારતા અનિલભાઈને હાથે ફ્રેક્ચર થયું હતું અને હાલ તેઓ વ્યારા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ ઘટનાના વિરોધમાં તાપી જિલ્લા પત્રકાર સંગઠનના ૩૦થી ૩૫ પત્રકારોએ ભેગા થઈ આ ઘટનામાં સખતમાં સખત કાર્યવાહી કરવા તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી અને જો આરોપીઓની ધરપકડ ન થઈ તો તાપી જિલ્લાના પત્રકારોએ પ્રતિક ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, હવે આ ઘટનામાં તંત્ર શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું ? આ પ્રસંગે તાપી જિલ્લાના પત્રકારોએ તંત્રને માંગ કરી છે કે પત્રકારોને રક્ષણ પુરૂ પાડવામાં આવે, જેથી કરીને પત્રકારો પોતાની કામગીરી નીડર અને નિષ્પક્ષ થઈને કરી શકે તો જ સમાજમાં થતી ગેરરીતિઓને તેઓ બહાર લાવી શકે. હવે તંત્ર પત્રકારોની, રજૂઆતને ધ્યાને લઇ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું?
