તાપી : મતદાનના દિવસે શ્રમિકોને રજા અંગેનું જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): જિલ્લામાં આગામી દિવસોમાં નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોનીસામાન્ય ચૂંટણી તા.28.02.2021ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં તમામ નાગરિકો/મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તમામ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓને રજા મંજૂર કરવા અંગે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાના અધિકારનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે તે માટે આ રજા આપવામાં આવેલ છે. જેથી કોઈ પણ શ્રમયોગીઓની પગાર કપાશે નહીં, જો કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર કરાશે. અગાઉ મતદાન અને મતદારોને લઈને જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકનો અધિકાર છે અને તમામ મતદારો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. ૦૦૦૦૦