તાપીની ૨૮ વર્ષિય યુવતી પ્રથમવાર BSFમાં પસંદગી પામી
જિલ્લા સહિત રાજ્યભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ બની વ્યારાની દિકરી નિકિતા ગામીત
તાપીની દિકરી હવે ઘર જ નહીં, પરંતુ સરહદની પણ રક્ષા કરશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): તાપી જિલ્લામાંથી તાજેતરમાં જ ૧૫ જેટલા યુવાનો લશ્કરી ભરતીમાં પસંદગી પામ્યા હતાં. જે બાદ તમામ યુવાનોને કલેક્ટર આર.જે. હાલાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારંભમાં કંઈક ખુટતુ હોય એવું લાગી રહ્યું હતું અને તે વાત જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જેવી રીતે જિલ્લાના યુવાનોનો લશ્કરી ભરતીઓ તથા અન્ય ભરતીઓમાં પસંદગી પામવાનો રેશિયો વધી રહ્યો છે તે સરાહનીય છે પરંતુ હું ઇચ્છું છું કે આ રેસમાં યુવતીઓ પણ યુવાનો સાથે ખભેખભા મિલાવીને તૈયારી કરે અને ભરતીઓમાં પસંદગી પામે.
જિલ્લા પોલીસ વડાની આ વાત સાચી પડી છે અને જિલ્લામાંથી પ્રથમ વાર એક મહિલા સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતીમાં BSF કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી છે. બીએસએફમાં જિલ્લાવતી પ્રથમ મહિલા તરીકે પસંદગી પામનાર નિકિતાબેન જી. ગામીત મૂળ વ્યારાના વતની અને છેલ્લા બે વર્ષથી હોમગાર્ડ તરીકે સેવા બજાવતા હતા. જેઓનું આજે કલેક્ટર આર.જે.હાલાણીએ સન્માન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના તમામ યુવાનોને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ વિભાગોમાં થતી ભરતીઓ માટે સતત સૂચનાઓ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. પરિણામે આજે તાપી જિલ્લામાંથી નિકિતા ગામીત સહિત ૧૬ યુવાનો લસ્કરી ભરતીમાં પસંદગી પામ્યા છે.
૦૦૦૦૦૦