સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે તાપી જિલ્લાના તમામ ઝોનલ ઓફિસરોને કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના પાવર સુપ્રત કરાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચુંટણીઓમાં માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં ચુંટણીને અનુલક્ષીને જિલ્લા તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વધુમાં તાપી જિલ્લામાં ચુંટણીની કામગીરી સરળતાથી પાર પડે તે માટે રાજ્ય ચુંટણી આયોગ તરફથી વિવિધ કામગીરી માટે ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચુંટણી અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરોને નિયુક્ત કરવામાં આવેલ છે. ચુંટણીની સંપૂર્ણ કામગીરી પર નિયંત્રણ રાખી શકાય તથા મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી યોજાય તે માટે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ ઉપરોક્ત તમામ અધિકારીઓ તથા ઝોનલ ઓફિસરોને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો તથા અધિનિયમની કલમ- 44, 103, 104, 129, 144 હેઠળના અધિકારો તા.16.02.2021 થી તા.02.03.2021 સુધી સુપ્રત કરવાનો હુકમ કર્યો છે.