તાપી : ચુંટણી દરમિયાન કર્મચારી/અધિકારીઓની બદલી તેમજ રજા અંગે જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી મહેશ જોશી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ સમગ્ર તાપી જિલ્લામાં ચુંટણીલક્ષી સંપૂર્ણ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે સંપન્ન ન થાય ત્યાં સુધી તાકીદના તબીબી કારણો સિવાય કર્મચારીઓ/અધિકારીઓની રજા મંજૂર કરાશે નહીં.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચુંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ/ કર્મચારીઓની રજા મંજૂર થશે નહિ તેમજ બદલી થશે નહિ તથા સરકારી સેવાઓ, જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહિ, તેમજ વચનો આપી શકાશે નહિ. તથા વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરાશે નહિ. આ સૂચનાનો અમલ સંપૂર્ણ મતગણતરી પૂર્ણ થાય તે તારીખ સુધી કરવાનો રહેશે. એમ નોડલ અધિકારી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અને નિવાસી અધિક કલેકટર, તાપી-વ્યારા એ જણાવ્યું છે.