રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ને સમગ્ર ભારતના ઝોન – ૪માં સાત એવોર્ડ એનાયત થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્ષ ૨૦૧૯-૨૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન અનીશ શાહ અને ફર્સ્ટ લેડી સ્વાતિ શાહના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતના બે ઝોન – ઝોન ૪ અને ઝોન ૫ માંથી ઝોન ૪ ના રાષ્ટ્રીય કક્ષાના સાત એવોર્ડ હાલમાં જ યોજાયેલ રોટરી ઝોન ઇન્સ્ટીટયુટમાં એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાંથી પોલીયોની નાબૂદીને માટે રોટરીએ અભૂતપૂર્વ કામ કર્યું છે. હજુ પણ વિશ્વના બે દેશોમાં સંપૂર્ણપણે પોલીયોની નાબૂદી થઇ નથી અને તેથી આ બે દેશોમાંથી પોલીયોની સંપૂર્ણ નાબૂદીને માટે અને જે દેશોમાં પોલીયો નથી તેમાં ક્યારેય પણ પોલીયો માથું ન ઉંચકે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તેને માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ફંડમાં સમગ્ર દેશમાં હાઈએસ્ટ ઓલ ઇન્ડિયા પોલીયો ફંડ કોન્ટ્રીબ્યુશન અને હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુ પોલીયો ફંડ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ બંને એવોર્ડમાં ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર પરાગ શેઠ અને પૂનમ શેઠનો રૂ.૭૫,૦૦ ૦૦૦/-નો મહત્તમ ફાળો હતો.
રોટરીના સેવાકાર્યમાં તેના તમામ સભ્યોનો પણ મહત્વનો આર્થિક ફાળો હોય છે. હાઈએસ્ટ ડોનર પાર્ટીસિપેશન (ટકાવારીની દ્રષ્ટિએ)નો એવોર્ડ પણ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ને પ્રાપ્ત થયો હતો.
ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના સભ્યોને આ દિશામાં સતત કાર્યરત રાખવામાં ડિસ્ટ્રિકટ રોટરી ફાઉન્ડેશન ચેર ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન આશીષ અજમેરા, કાઉન્સેલર ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર અશોક પંજવાનીનો ફાળો સવિશેષ રહ્યો હતો.
પબ્લિક ઈમેજ એ કોઈપણ સંસ્થાને માટે અગત્યનું છે. ડિસ્ટ્રિકટ પબ્લિક ઈમેજ ચેર ભાવેશ વેગડા, કાઉન્સેલર ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર પરાગ શેઠ અને સમગ્ર ટીમના પ્રયાસોને કારણે સોશ્યલ મીડિયા એવોર્ડ અને પ્રિન્ટ મીડિયા એવોર્ડ પણ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ને પ્રાપ્ત થયો હતો.
સભ્યપદ વૃદ્ધિ એ કોઈપણ સંસ્થાને માટે પાયાનું કામ કરતી હોય છે. ડિસ્ટ્રિકટ મેમ્બરશીપ ચેર અમરદીપ સિંઘ બુનેટ, કાઉન્સેલર ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર હિતેશ જરીવાલાના પ્રયત્નોને કારણે સેકંડ હાઈએસ્ટ મેમ્બરશીપ ગ્રોથ અને સેકંડ હાઈએસ્ટ મેમ્બરશીપ ગ્રોથ (ટકાવારીની દ્રષ્ટિએ)નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
આમ, કુલ સાત એવોર્ડ પ્રાપ્ત કરીને સમગ્ર રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦એ સમગ્ર ભારતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.