ગીરીમથક સાપુતારાના નવાગામમાં અગ્ની સંસ્કારની જગ્યા ખંડેર હાલતમાં થઈ જતાં અહી અગ્ની સંસ્કાર માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): મળતી માહિતી મુજબ સાપુતારા નોટીફાઈડ ની હદમાં આવતા નવાગામ સ્મશાનની હાલત બદતર થઈ જતા અહીં આવતા નવાગામ વાસીઓ માં આક્રોશની લાગણી ફરી વળી છે. આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર નોટીફાઈડની હદમાં નવાગામ નું સ્મશાન આવેલુ છે. હાલમાં સ્મશાનની જાળવણી નહી થતા સ્મશાનની જગ્યા ખંડેર હાલતમાં થઈ ગઈ છે. હાલમાં સ્મશાનની જગ્યા ખરાબ હાલતમાં થઈ જતા અત્રે લવાતા મૃૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ગ્રામજનો ને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. સ્મશાનની અંદર અને ચોતરફ ઝાડી ઝાંખરા બાવળીયા ઉગી નિકળતા સ્મશાનમાં જવાની જગ્યા પણ રહી નથી જ્યારે સ્મશાન જર્જરીત હાલતમાં હોવાથી કોઇ પણ સમયે ધરાશય થઇ શકે છે તથા ચોમાસાની ઋતુમાં ગામમાં કોઈ મૃત્યુ પામે તો અગ્નિસંસ્કાર માટે વિકટ પરિસ્થિતી નો સામનો ગ્રામજનો ને કરવો પડતો હોય છે. નોટીફાઈડ દ્વારા કોઈ પગલા ભરવામાં નહી આવતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને વહેલી તકે નોટીફાઈડ દ્વારા અત્રેના સ્મશાનમાં યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.