કોમી એકતાનાં દર્શન કરાવતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનો ઉર્સ – મેળો કોરોના મહામારીના પગલે આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ મુકામે આવેલી, ઘેર ઘેર ગાય પાળો, કોમી-એકતા, ભાઇ ચારો, વ્યસન મુક્તિનો સંદેશ આપતી તેમજ ઘેર-ઘેર વૃક્ષ વાવો અભિયાન ચલાવતી ઐતિહાસિક મોટામિયાં બાવાની દરગાહ ખાતે દર વર્ષે પોષ સુદ એકમ થી પંદર દિવસ સુધી ઉર્સ- મેળો ભરાતો હતો, જેમાં દેશ- વિદેશના અકીદતમંદોમાં હિન્દુ, મુસ્લિમ ભાઈ- બેહનો તેમજ અન્ય મહેમાનો ખુબ મોટી સંખ્યા ભેગા મળી કોમી એકતાનુ ઉદાહરણ રજૂ કરે છે, આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ હોય છે.આ વર્ષે ૧૪ મી જાન્યુઆરી, ૨૦૨૧ ગુરૂવારથી શરૂ થનાર ઉર્સ – મેળાની ઉજવણીના તમામ કાર્યક્રમો કોવિડ- ૧૯, કોરોના મહામારીના કારણે જનહિતમાં મોકૂફ રાખવામાં આવ્યા છે, જેની તમામ જાહેર જનતા તેમજ અકીદતમંદોએ નોંધ લેવી એમ મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના એકમાત્ર પરંપરાગત ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિવાય પણ જાહેર જીવનમાં તમામને ભેગા ન થવા તથા ફરજિયાત સોશિયલ ડિસ્ટંસ જાળવી, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરી વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરાના મહામારીના આરંભના વિકટ સમયથી આજસુધી હાલના ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી દ્વારા સમાયંતરે જાગૃતિ માટે પ્રયાસો કરાયા છે તથા સલામતીને અનુલક્ષીને નિયમોનું પાલન કરતા વિવિધ નિર્ણયો લઇ સમાજને સાવચેતીના ભાગરૂપે ઉપયોગી સંદેશાઓ આપવામા આવ્યા છે, તેમજ મહામારીથી માનવસમાજની મુક્તિ માટે અમુક સમય પહેલા વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.