ઉમરપાડા કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોમાં સરકાર જમીન સંપાદન પ્રક્રિયા બંધ કરે તેવી માંગ કરી
આદિવાસી પ્રજાની જીવાદોરી સમાન કોસંબા ઉમરપાડા નેરોગેજ રેલ્વે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 આદિવાસી ગામોમાં જમીન સંપાદન પ્રક્રિયા બંધ કરે અને આદિવાસી પ્રજાજનોની જીવાદોરી સમાન કોસંબા ઉમરપાડા નેરોગેજ રેલ્વે ટ્રેન ફરી શરૂ કરે તેવી માંગ કરી છે.
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા,માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી,નટવરસિંહ વસાવા, નિવૃત કલેકટર જગતસિંહ વસાવા, રામસિંગભાઈ વસાવા,ભુપેન્દ્રભાઈ વસાવા,મૂળજીભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થતી જમીન સંપાદન પ્રક્રિયાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડાના મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે,સરકાર વિકાસના નામે આદિવાસીઓને પરેશાન કરી રહી છે.આદિવાસી વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે જેનાથી આદિવાસીઓ બરબાદ થઈ જશે.આ જમીન સંપાદન પ્રક્રિયા રોકવા માટે ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.ઉમરપાડા સહિત અન્ય તાલુકાઓમાં લોકો આ જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે છતાં સરકાર દ્વારા વિરોધની અવગણના કરી જમીનો પડાવી લેવાનું કૃત્ય થઈ રહ્યું છે વિકાસના નામે રસ્તાઓ મોટા ડેમો બનાવી આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું એક ષડયંત્ર છે જેની સામે કોંગ્રેસના આગેવાનો ગરીબ આદિવાસીઓને ન્યાય અપાવવા આગામી દિવસોમાં લડત ઉપાડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વધુમાં તેમણે જણાવ્યું કે આદિવાસી પ્રજાજનો માટે જીવાદોરી સમાન કોસંબા ઉમરપાડા નેરોગેજ ટ્રેન સરકારે બંધ કરી છે જેનાથી બંને તાલુકાના ખાસ આદિવાસી મુસાફરો મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે.શહેરો તરફ રોજીરોટી માટે જતા બંને તાલુકાના લોકોનો ખર્ચ ભાડા ભથ્થામાં થઈ જાય છે મુસાફરી મોંઘી બની છે ત્યારે ગરીબ લોકો ઓછા ભાડામાં રોજીરોટી માટે જઈ શકે જેથી નેરોગેજ રેલ્વે ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.