કામરેજ ખાતે મહેસુલમંત્રીના અધ્યક્ષસ્થાને ‘સુશાસન દિવસ’ અંતર્ગત ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે આજે રપમી ડિસેમ્બર-૨૦૨૦- ગુડ ગર્વનન્સ ડે (સુશાસન દિવસ) અન્વયે સુરત જિલ્લાના કામરેજના ઉમામંગલ હોલ ખાતે મહેસુલમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી કૌશિક ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘સુશાસન દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી કિસાનોને માર્ગદર્શન આપ્યું હતું.. વડાપ્રધાને દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ડિજીટલ બટન દબાવીને ‘કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ રૂ.૧૮ હજાર કરોડની રકમ જમા કરી હતી, જેમાં સુરત જિલ્લાના ૧,૨૮,૦૦૦ ખેડૂતોના ખાતામાં પણ સહાય જમા થઈ હતી. સાથો સાથ કામરેજ તાલુકાના ૨૦ લાભાર્થી ખેડૂતોને ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રકચર, કિસાન પરિવહન, છત્રીઓ, જીવામૃત, CABP (GAIC)ના લાભાર્થી, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, શ્રેષ્ઠ પશુપાલન ઘટકમાં કૃષિ સાધન-સામગ્રી અને સહાય તેમજ સમાજકલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ સાધનસહાય સ્થળ પર જ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે અર્પણ કરીને લાભાન્વિત કરાયા હતા. જ્યારે ઓલપાડ તાલુકાના ૨૮૬, કામરેજના ૧૬૭, માંગરોળના ૨૦૯ ચોર્યાસીના ૨૭૭, બારડોલીના ૨૨૫, પલસાણાના ૧૭૫, માંડવીના ૨૩૨, મહુવાના ૨૫૭, ઉમરપાડાના ૨૫૨ અને સુરત સિટીના ૨૦૮૦ લાભાર્થીઓ મળી કુલ ૪૧૬૦ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજૂર કરાયા હતાં.આ પ્રસંગે મહેસુલમંત્રીએ જણાવ્યું હતું કે, સુશાસન દિવસની ઉજવણીને પશુપાલકો, ગરીબોનાં કલ્યાણ અને અને વંચિતોના વિકાસ સાથે જોડી ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. એમ જણાવી મંત્રીશ્રીએ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને સ્મરણાંજલિ અર્પી હતી, અને ઉપસ્થિત ખેડૂતોને અનેકવિધ કૃષિ યોજના ઓનો લાભ લઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થવાનો અનુરોધ કર્યો હતો. સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાએ સુરત જિલ્લામાં ખેડૂતોને સરકારની વિવિધ યોજના હેઠળ જે સહાય આપવામાં આવી છે. એની વિસ્તૃત માહિતી આપી હતી. નવી દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે ડિજિટલ માધ્યમથી સ્વ. અટલ બિહારી વાજપેયીના પ્રદાનને યાદ કરી કિસાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતીબેન પટેલ, સંયુક્ત ખેતી નિયામક કે.એસ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી. ગામીત, પ્રાંત અધિકારી શ્રી વાઘેલા, સંદિપભાઈ દેસાઈ, અશ્વિન ભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક તથા બાગાયત અને કૃષિ અધિકારીઓ સહિત લાભાર્થી ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.