મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી છે, ત્યારે માંગરોળ તાલુકામાં પતંગ અને દોરાના વેચાણની તૈયારીઓ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી રહ્યા છે, ત્યારે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ, વાંકલ સહિતનાં વિસ્તારોમાં પતંગ અને દોરાના વેચાણની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી તારીખ ૧૪ મી જાન્યુઆરી-૨૧ નાં રોજ મકરસંક્રાંતિનો તહેવાર છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે અનેક તહેવારોની ઉજવણી ફીક્કી નજરે પડી હતી. ત્યારે હવે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહયો છે. માંગરોળ તાલુકાનાં ઝંખવાવ, વાંકલ સહિતનાં વિસ્તારોમાં હમણાં થીજ આ માટેની તૈયારીઓ શરૂ થઈ છે. ઝંખવાવ ગામે છેલ્લા પાંચ વર્ષથી આ ધધો કરતાં ગોપાળભાઈ વસાવા એ ચાલુ વર્ષ માટે પણ આ ધધો શરૂ કરી દીધો છે.એમણે જણાવ્યું કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દોરાનાં બોબીનમાં ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.ચાલુ વર્ષે બોબીન ૧૧૦ થી ૧૨૦ રૂપિયાની વચ્ચે વેચાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અતિ પછાત એવા માંગરોળ તાલુકાનાં અનેક ગામોમાં આ તહેવારની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વેપારીનું કહેવું છે કે હું જે માલ લાવું છું તે તમામ વેચાઈ જાય છે. તાલુકાનાં વાંકલ ગામે પણ પતંગ અને દોરા નું વેચાણ શરૂ થઈ ગયું છે. આમ હજુ મકરસંક્રાંતિને હજુ ૨૫ દિવસ બાકી છે. તે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં પતંગ અને દોરા ઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.