મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે FIR દાખલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે અજાણ્યા ચાર ઈસમો વિરુધ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે મોડાસા થી સુરત, ST બસ નંબર જીજે-૧૮-ઝેડ-૪૮૬૬ આવી રહી હતી. તે દરમિયાન બરોડાના કરજણ પાસે હાઇવે ઉપરથી અજાણ્યો એક ઇસમ બસમાં મુસાફર તરીકે ચઢ્યો હતો અને બસનાં દરવાજા પાસે ઉભો રહયો હતો. ત્યારે બસનાં ચાલક કમ કંડકટર મગનભાઈ દલપતભાઈ ખાંટે આ ઇસમને બસની સીટ ઉપર બેસી જવા જણાવ્યું હતું. ત્યારે આ ઇસમએ ચાલક સાથે ઝઘડો કર્યો હતો. અને આ ઇસમ કીમચારરસ્તા ખાતે ઉતરી ગયો હતો.આ ST બસ સુરત જઈ ફરી મોડાસા જઇ રહી હતી. ત્યારે માંગરોળ તાલુકાનાં સાવા પાટીયા ખાતે હાઇવે પર ટ્રાફીક જામ હોવાથી કીમચારરસ્તા ખાતે જે ઇસમ ઉતર્યો હતો. તે અન્ય ત્રણ ઇસમોને લઈ સાવા પાટીયા ખાતે ઘસી આવ્યો હતો. અને બસનાં ચાલકને કહેવા લાગ્યા કે કરજણથી જે મુસાફર બેઠા હતા. એને તું ઓળખતો નથી. તે બાપુ છે.તેની સાથે તે બોલાચાલી કેમ કરી તેમ જણાવી ST બસનો દરવાજો ખોલી બસમાં પ્રવેશ કરી ચાલક મગનભાઈને માર માર્યો હતો. ચાલકને સારવાર માટે કામરેજ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ પ્રશ્ને ST બસનાં ચાલકે માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચાર અજાણ્યા ઈસમો વિરુધ્ધ FIR દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.