મતદાર યાદીમાં નામ નોંધાવવાની આખરી તક : તા. ૧૩/૧૨/૨૦૨૦ તા. ૦૧/૦૧/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા નવયુવાન-યુવતિઓ માટે આખરી તક
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૧ઃ કેન્દ્રિય ચૂંટણી આયોગ દ્વારા હાલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં તા.૨૨/૧૧/૨૦૨૦, તા.૨૯/૧૧/૨૦૨૦ અને તા.૦૬/૧૨/૨૦૨૦ ના રવિવારના રોજ મતદાન મથક પર બુથ લેવલ અધિકારીશ્રી હાજર રહી ફોર્મ મેળવવાનું અને મતદારયાદી અદ્યતન કરવાની કામગીરી કરી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ વ્યારા અને નિઝર બેઠક પર કુલ ૪૦,૦૦૦ જેટલા ફોર્મ પ્રાપ્ત થયા છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૩/૧૨/૨૦૨૦ રવિવારના રોજ બુથ લેવલના અધિકારીઓ મતદાન મથક પર હાજર રહેવાના છે. ત્યારબાદ મતદારયાદી આખરી કરવાની હોઈ અને આગામી તમામ ચૂંટણીઓ જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેથી તમામ ૧૮-૧૯ વર્ષના નવ યુવાન/યુવતિઓ માટે આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ કે નગરપાલિકા વ્યારા,જિલ્લા પંચાયત, પ્રતતા પંચાઅકયત વિગેરેમાં મત આપવાના અધિકારનો પ્રયોગ કરવા માટે ચૂંટણીકાર્ડ મેળવવાનો આ અંતિમ મોકો છે.
તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ તા.૧૩/૧૨/૨૦૨૦ના રવિવારના રોજ જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો, ફોટો અને ઘરના કોઈ સભ્યના ચૂંટણી કાર્ડ સાથે નજીકના મતદાન મથક પર જઈ બુથ લેવલ અધિકારીને મળીને ફોર્મ નં.૬ ભરી શકશે. ટેકનોસેવી યુથ માટે nvsp.in અથવા voter registration.eci.gov.in વેબસાઈટ પર જઈ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ નંબર ૬ ભરી પુરાવા અપલોડ કરી ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મેળવવાની વ્યવસ્થાપન ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.
આ તકે તાપી કલેકટર શ્રી આર.જે. હાલાણીએ તમામ સરપંચો, નગરપાલિકા સભ્યો, રાજકિય આગેવાનો, સામાજીક આગેવાનો, ધાર્મિક આગેવાનોને પોતાના વિસ્તારમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતા તમામ યુવાન-યુવતિઓને ફોર્મ નં.૬ ભરવા અને લોકશાહીને મજબૂત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.