વ્યારા નગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું :  ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્રના સમન્વયથી વિકાસકામોની વણઝાર “વ્યારા સબસે ન્યારા બની રહેશે” – કલેકટરશ્રી આર.જે. હાલાણી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૧ઃ આજરોજ વ્યારા (ડો.શ્યામા પ્રસાદ કોમ્યુનીટી હોલ) ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.જે.હાલાણીના અધ્યક્ષ સ્થાને તથા નગર પાલિકા પ્રમુખ શ્રી મહેરનોશભાઈ જોખી,મામલતદારશ્રી બી.બી.ભાવસાર,ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ ની ઉપસ્થિતિમાં વ્યારા નગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણીએ નગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વ્યારા નગર પાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રના સમન્વયથી વિકાસકામોની વણઝાર ચાલુ છે. નાની નગર પાલિકા હોવા છતા સ્વચ્છતા સહિતના વિષયે મહાનગર પાલિકા જેવી વ્યવસ્થાઓ ધરાવે છે જે આનંદની વાત છે. ટીમની ભાવના રાખીને હકારાત્મક અભિગમ અપનાવીને કામ કરવું કઠીન છે. ત્યારે વ્યારા નગરને સુંદર બનાવવાનું કાર્ય ઉડીને આંખે વળગે એવું છે. જે કાબેલીદાદ કહી શકાય વ્યારા સબસે ન્યારા સૂત્રને સાર્થક કરતા નંબર ૧ નગરપાલિકા બની રહે તેવી અપેક્ષા કલેકટરશ્રી હાલાણીએ વ્યક્ત કરી હતી.
વ્યારા નગરપાલિકા પ્રમુખ મહેરનોશભાઈ જોખીએ પ્રસંગોચિત જણાવ્યું હતું કે સ્વચ્છ સુંદર અને હરિયાળુ વ્યારા બને તે માટે અમારી ટીમ સતત કામ કરી રહી હતી. શ્યામા પ્રસાદ હોલ અંદરથી ખૂબ જ સુંદર છે પરંતુ બહારના ભાગે એલીવેશનનું કામ ખૂબ જરૂરી હતું.અમારૂ સ્વપ્ન સાકાર થયું છે. નગરપાલિકાના એન્જીનીયરો સહિત સમગ્ર સ્ટાફની મહેનતથી આ કામ શક્ય બન્યું છે. વધુમાં વ્યારા નગરના હિંદુ બાળ સ્મશાનમાં કંપઉન્ડ વોલ, જલવાટિકા તળાવ પાસે ગેબીયન વોલ તથા વ્યારાના ફતેહ બુરજ ખાતે કિલ્લો ડેવલોપ કરવાનું કામ મળીને કુલ ૪ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું છે.
ચીફ ઓફિસરશ્રી શૈલેષભાઈ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરતા કહ્યું હતું કે આજના ઐતિહાસિક એકાદશીના દિવસે વ્યારાનગરના વિકાસકામો થકી વ્યારા નગરને ઉચ્ચ કોટીનું બનાવવાનો અમારો પ્રયાસ છે. તમામ સરકારી વિભાગોના સહયોગથી અમે પ્રગતિ કરી શક્યા છીએ.
આજરોજ વ્યારા ખાતે ડો.શ્યામા પ્રસાદ હોલના એલીવેશનનું કામ અંદાજીત રૂ.૨૨.૩૦ લાખના ખર્ચે લોકાર્પણ અને ૮૭.૨૬ લાખના ખર્ચે વિકાસકામોનું ખાતમુહુર્ત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
કારોબારી અધ્યક્ષ રાકેશભાઈએ પુરી થતી ટર્મમાં કામ કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવી સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તમામ સભ્યોએ પોતાના વિસ્તારમાં સક્રિય રહીને વિકાસ કામોમાં સહયોગ આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. કોવિડ-૧૯ ની પરિસ્થિતિ વચ્ચે ખૂબ સારી કામગીરી નિભાવવા બદલ આરોગ્ય સહિત તમામ ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબહેન, નિરવભાઈ સહિત પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહી વ્યારા નગરપાલિકાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત ના કાર્યક્રમને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other