આગામી શનિવારે ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ૭૧૧ કરોડના ખર્ચવાળી પાઈપ લાઈન યોજનાનું ઉદઘાટન અને ૫૧ કરોડના ખર્ચે ઉભી થનારી સેનિક સ્કૂલની ઇમારતનું ભૂમિપૂજન કરશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ ૫ મી ડિસેમ્બરના, શનિવારે ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ૭૧૧ કરોડના ખર્ચવાળી પાઈપ લાઈન યોજનાનું ઉદઘાટન અને ૫૧ કરોડના ખર્ચે ઉભી થનારી સેનિક સ્કૂલની ઇમારતનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાનાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ માટેની ઉકાઈ જળાશય આધારિત તાપી-કરજણલીંક ૭૧૧ કરોડ રૂપિયા ખર્ચે પાઈપ લાઈન યોજનાનું ઉદઘાટન અને ૫૧ કરોડના ખર્ચે વાડી ગામે ઉભી થનારી સેનિક સ્કૂલની ભૂમિપૂજન વિધિ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સવારે ૯/૩૦ કલાકે,ઉમરપાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ, મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ,વનમંત્રી ગણપતસિંહ વસાવા,સામાજીક અને ન્યાય વિભાગનાં મંત્રી ઈશ્વરભાઈ પરમાર, વન-પર્યાવરણ વિભાગનાં રાજયકક્ષાના મંત્રી રમણભાઈ પાટકર સહિતનાં મહાનુભાવો હાજર રહેશે.કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય એ માટે આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લા-તાલુકાનાં અધિકારીઓની એક બેઠક બોલાવી આયોજન પ્રશ્ને સમીક્ષા કરી હતી.સાથે જ આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.